માધાપરના સગીરનો ૧૧ દિવસથી કોઈ જ અતોપતો નહીં, પોલીસે કહ્યું, ‘મોબાઈલ હોય તો શોધીએ ’!
પરિવારે એસપીને રજૂઆત કરી તપાસની માંગ કરી, આંદોલનની ચીમકી અપાઈ
ભુજ - કચ્છઉદય : તાલુકાના માધાપરના ૧૫ વર્ષીય સગીર ધ્રુવના કથિત અપહરણને ૧૧ દિવસ વીતી ગયા છતાં કોઈ ભાળ નહીં મળતા હવે પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. પરિવારનું કહેવું છે કે અપહરણની ફરિયાદ નોંધાયા બાદ તપાસમાં જરૂરી ગંભીરતા દાખવવામાં આવી નથી અને છેલ્લા ૧૧ દિવસથી બાળકનો કોઈ અતો-પતો મળ્યો નથી. આ મામલે સગીરના પિતા પ્રભુભાઈ હરભુવનભાઈ નાઈએ પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, ધ્રુવ ૧૯ જૂને માધાપરની નવી લાઈનના નાકા પાસેથી ગુમ થયો હતો. ત્યારબાદ બીજા જ દિવસે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પરિવારના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન મળેલા ફૂટેજમાં ધ્રુવ નવી લાઈનના નાકા પાસેથી છકડા રિક્ષામાં બેસી ભવાની હોટલ નજીકના જિયો પેટ્રોલ પંપ પાસે ઉતરતો અને ત્યારબાદ વર્ધમાનનગર તરફ ચાલીને જતો જોવા મળે છે. પરિવારનો આક્ષેપ છે કે આ ફૂટેજ પછીની તપાસમાં પોલીસ દ્વારા કોઈ અસરકારક પ્રગતિ કરવામાં આવી નથી. પરિવારે રજૂઆતમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. પરિવારના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા જો બાળક પાસે મોબાઇલ હોત તો જલ્દી શોધી લઈએ જેવા જવાબો આપવામાં આવ્યા, જેનાથી પરિવારની વ્યથા વધુ વધી છે. પરિવારનું કહેવું છે કે અપહરણ જેવા ગંભીર ગુનામાં પોલીસની ફરજ માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ અલગ-અલગ ટીમો બનાવી દરેક દિશામાં સઘન તપાસ ચલાવવાની છે. ૧૧ દિવસ વીતી ગયા હોવા છતાં બાળકની કોઈ ભાળ નહીં મળતા પરિવાર ભારે માનસિક આઘાતમાં છે. પરિવારે અરજીમાં એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે બાળકને કોઈ અજાણ્યા શખ્સોએ ક્યાંક ગોંધી રાખ્યો હોઈ શકે અથવા તેની સાથે કોઈ અનિચ્છનીય ઘટના બની હોય. તેથી દરેક સંભવિત દિશામાં તપાસ કરી બાળકને સહીસલામત પરત લાવવાની માંગ કરવામાં આવી છે.
પરિવારે ચીમકી આપી છે કે જો પોલીસ દ્વારા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન સહિતના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. સાથે જ બાળકને કંઈપણ નુકસાન થશે તો તેની જવાબદારી પોલીસ તંત્રની રહેશે તેવું પણ રજૂઆતમાં જણાવાયું છે. આ સમગ્ર ઘટનાએ એકવાર ફરી સવાલ ઊભો કર્યો છે કે અપહરણ જેવા ગંભીર કેસોમાં ફરિયાદ નોંધાયા પછી પોલીસ તપાસ કેટલી ઝડપથી અને કેટલી ગંભીરતાથી આગળ વધે છે ? ૧૧ દિવસ સુધી સગીરનો કોઈ પત્તો ન મળવો અને પરિવારને પોલીસની કામગીરી અંગે રજૂઆત કરવાની ફરજ પડવી, પોલીસની તપાસ પ્રક્રિયા સામે અનેક પ્રશ્નાર્થ ઊભા કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે એસપી કક્ષાએ થયેલી રજૂઆત બાદ તપાસમાં નવી દિશા મળે છે કે નહીં અને લાપતા સગીરને સહીસલામત શોધી કાઢવામાં પોલીસ કેટલી ઝડપ દાખવે છે.
...............
ખરેખર તપાસ અંજાર પોલીસને આપવી જોઈએ
પૂર્વ કચ્છમાં આવેલ અંજાર પોલીસ દ્વારા નાસતા ફરતા લોકોને શોધવાની ઝુંબેશમાં મહત્વપૂર્ણ સફળતા મેળવી એક જ મહિનામાં ૬૦ થી વધુ લોકોને શોધી લીધા છે. બાળક ગુમ થયાને ૧૧ દિવસ વીતી ગયા હોવા છતા માધાપર પોલીસને કોઈ કડી મળી નથી. તો ખરેખર રેન્જ આઈજીએ આ કેસની તપાસ અંજાર પોલીસને આપવી જોઈએ. જેથી કંઈક કડીઓ તો મળે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Comments