Trending News
ક્રાઈમ

મુન્દ્રાના ગેલડામાં ગેરકાયદેસર રેતી ખનનનો આતંક 

30 June



તંત્રની ઘોર નિદ્રા સામે સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ : અઢી વર્ષથી દિવસ-રાત કુદરતી સંપત્તિનું ખુલ્લેઆમ નિકંદન કાઢતા ખનીજ માફિયાઓ :  ઉગ્ર આંદોલનની ચીમકી

મુન્દ્રા - કચ્છઉદય : મુન્દ્રા તાલુકાના ગેલડા ગામમાં છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ગેરકાયદેસર રેતી ચોરીનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિક નદી-નાળાઓ અને સરકારી જમીનોમાંથી દિવસ-રાત હિટાચી, લોડર જેવા મોટા મશીનો વડે કુદરતી સંપત્તિનું ખુલ્લેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ખનીજ માફિયાઓ એટલા બેખોફ બન્યા છે કે તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કરનારા ગામ લોકોને સતત ડરાવી-ધમકાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે ત્રાસ અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અઢી વર્ષ જેટલા લાંબા સમયથી આટલું મોટું ખનન કૌભાંડ ચાલી રહ્યું છે, છતાં જવાબદાર તંત્ર 
કેમ આંખ આડા કાન કરીને બેઠું છે? સ્થાનિકોમાં ચર્ચાતી વિગતો મુજબ, શું આ કાળો કારોબાર સંબંધિત અધિકારીઓની મિલીભગત અને મંજૂરીથી ચાલી રહ્યો છે, કે પછી માફિયાઓની વગ સામે તંત્ર સાવ લાચાર બની ગયું છે? વહીવટી તંત્રની આ શંકાસ્પદ નિષ્ક્રિયતાને કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને પર્યાવરણને પણ વ્યાપક હાનિ પહોંચી રહી છે. ગેલડા ગામના નાગરિકો હવે આ અન્યાય સામે ચૂપ બેસવા તૈયાર નથી. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર તંત્ર પોતાની કુંભકર્ણની નિદ્રામાંથી વહેલી તકે નહીં જાગે અને આ બેફામ રેતી ચોરી તાત્કાલિક બંધ કરાવીને માફિયાઓ સામે કડક કાયદાકીય પગલાં નહીં લે, તો આગામી દિવસોમાં ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેમજ ગાંધી ચીંધ્યા માર્ગે જન આંદોલન છેડવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી સ્થાનિક પ્રશાસનની રહેશે.

Comments

COMMENT / REPLY FROM