ભુજના ચંગલેસર તળાવના અસ્તિત્વના રક્ષણ માટે લોકભાગીદારીથી જળઅભિયાન શરૂ
ભુજ - કચ્છઉદય : ભુજ શહેરની ભાગોળે આવેલ ઐતિહાસિક ચંગલેસર તળાવ લાંબા સમયની ઉપેક્ષા અને વહીવટી ઉદાસીનતા બાદ આખરે લોકભાગીદારીના જોરે નવજીવન તરફ આગળ વધી રહ્યું છે. રેવન્યુ રેકોર્ડ મુજબ મોજે ભુજ સીમ સર્વે નંબર ૮૭૦ પૈકી ૪૧ હેઠળ અંદાજે ૩૦ એકર, ૩ ગુંઠા અને ૧૦ ખાતા નંબર ૧૦૪૯ ની જમીન ધરાવતું આ તળાવ કચ્છ કલેક્ટર સાહેબના હુકમથી માર્ચ ૨૦૨૬માં જ નોટિફાય થયું હતું. અગાઉ વર્ષ ૨૦૧૩ માં ડીઆઈએલઆર દ્વારા આ તળાવની માપણી કરવામાં આવી હતી અને ઘણા સંઘર્ષ બાદ ભુજની આસપાસના ૨૧ તળાવોની સરકારી દફતરે નોંધણી કરવામાં આવી હતી, જેમાં ચંગલેસર તળાવ પણ સામેલ છે. ભુજ-મુન્દ્રા હાઈવે પર એરફોર્સ સ્ટેશન અને ગાઈડ સંસ્થાની વચ્ચે આવેલું આ તળાવ પાકા ઓગન બાંધકામવાળું તેમજ ભવ્ય ભૂતકાળ ધરાવતું એક અનામી જળસ્ત્રોત છે, જેના પર જિલ્લા પંચાયત કચ્છના સિંચાઈ ખાતા તરફથી પગથિયાં અને ઓગનનું કામ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ વહીવટી તંત્રની બેદરકારીના કારણે કચ્છી ગાંડા બાવળોએ આ આખા તળાવને પોતાની લપેટમાં લઈ લીધું હતું, જેના લીધે તળાવ જાણે નકશામાંથી ગાયબ થઈ ગયું હતું.
તળાવો અને જળસ્ત્રોતોના વિકાસ તેમજ સંરક્ષણની ચિંતા કરનાર સેવા નિવૃત્ત સરકારી અધિકારી અને પર્યાવરણ પ્રેમી કે. એચ. આર્ય દ્વારા લોકભાગીદારીથી આ જગ્યાને પુનઃ વિકસાવવાનો ભગીરથ વિચાર કરવામાં આવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર આ સમસ્યા અંગે ફોટો વાયરલ કરી જનજાગૃતિ ફેલાવી હતી, જેને ગ્લોબલ કચ્છના ગોવિંદભાઈ મંગે તરફથી આર્થિક સહયોગની ખાતરી મળી હતી. પ્રથમ તબક્કે વર્ષ ૨૦૨૪માં તળાવ અને તેની આજુબાજુની જમીનમાંથી ગાંડા બાવળને જડમૂળથી સાફ કરી તળાવને પુનર્જીવિત કરવાનું કાર્ય શરૂ કરાયું હતું. તળાવમાં ખૂબ ઊંડે સુધી પાણી હોવાથી મોટું ખોદકામ શક્ય બન્યું ન હતું, પરંતુ ખુલ્લી કરાયેલી જમીન પર ભવિષ્યમાં દબાણ થવાની પૂરી શક્યતા અને શંકા જણાતા જમીન બચાવવા માટે વૃક્ષારોપણ જ એકમાત્ર ઉપાય હોવાનું જણાયું હતું. આ અંગે પર્યાવરણ પ્રેમી મહાનુભાવોનો સંપર્ક સાધવામાં આવતા ’મિશન ગ્રીન ભુજ’ સંસ્થાના પ્રશાંતભાઈ જોશીએ આ કાર્યમાં મોટો ટેકો આપ્યો હતો. તેમણે ૧૪૦ વૃક્ષોનું મફત વૃક્ષારોપણ કરી આપવાની જાહેરાત કરી હતી. આમ, ’મિશન ગ્રીન ભુજ’ અને ’સદભાવના વૃદ્ધાશ્રમ’ સંસ્થાના સંયુક્ત સહયોગથી તળાવના પૂર્વ અને પશ્ચિમ ભાગે ૧૧૦ લાંબુ આયુષ્ય ધરાવતા દેશી વૃક્ષોનું વાવેતર જોતજોતામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. એક સમયે જ્યાં બિહામણું બાવળોનું જંગલ હતું ત્યાં હવે સુંદર વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું સંતુલન જળવાઈ રહ્યું છે અને તળાવની જમીન સુરક્ષિત બની છે.પર્યાવરણ અને જમીનના કટ્ટર દુશ્મન ગણાતા ગાંડા બાવળો વિપરીત પરિસ્થિતિમાં પણ ગમે ત્યાં ઉગી નીકળતા હોવાથી આ નવરોપિત વૃક્ષો સામે હજી પણ જોખમ તોળાઈ રહ્યું છે. જો આગામી બે વર્ષમાં આ બાવળોને નિયંત્રિત કરવામાં નહીં આવે તો તે આડેધડ ઉગીને દેશી વૃક્ષોના અસ્તિત્વને જ સમાપ્ત કરી દેશે તેવી ભીતિ સેવાભાવીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ડામવા માટે માનવ ધર્મ સેવા ન્યાસ ભુજના મેનેજિંગ ટ્રસ્ટી કે. એચ. આર્ય દ્વારા જેસીબી મશીન લગાવીને ફરીથી ઉગી નીકળેલા બાવળોનો સફાયો કરવામાં આવ્યો છે અને આશરે ૩૦ થી ૪૦ વૃક્ષોના વાવેતર માટેની જમીનને સમતલ અને ખુલ્લી કરી દેવામાં આવી છે. આ અંગે સ્થાનિક સ્તરે રજૂઆત થતાં ભુજ નગરપાલિકાના જેસીબી મશીન દ્વારા પણ નડતરરૂપ નાળાની સફાઈ માટેની કામગીરીની એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી છે.ભુજ અને કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં જળસંગ્રહ એ સ્થાનિક લોકો માટે જીવન રેખા સમાન છે. ભુજની આજુબાજુ ભૂતકાળમાં ૪૫ જેટલા તળાવો ધબકતા હતા, પરંતુ વહીવટી તંત્ર અને નાગરિકોની ઉદાસીનતાના કારણે આજે માત્ર ૨૫ થી ૩૫ તળાવો જ અસ્તિત્વ ધરાવે છે. બાકીના તમામ તળાવો ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણનો ભોગ બન્યા છે. ગીતાસર એટલે કે જથ્થાબંધ માર્કેટ સામે, લાખુરાઈ અને રોમાનિયા ટેંક જેવા વિસ્તારોમાં તો તળાવોની જમીન પર માનવ વસાહતો ઉભરાઈ ગઈ છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ભુજના મધ્યમાં અને હાઈવેની સમીપ આવેલા ચંગલેસર તળાવને શિરમોર, સુંદર અને જળ ભંડારથી તરબોળ કરવા માટે સંબંધિત સરકારી તંત્ર અને જનતા પાસે કેટલીક તાકીદની અપીલ કરવામાં આવી છે.
સૌથી મુખ્ય જરૂરિયાત એ છે કે ચંગલેસર તળાવની મુખ્ય આવક પશ્ચિમ બાજુથી થાય છે, પરંતુ ત્યાં વચ્ચે નવો રસ્તો આડો આવી ગયો હોવાથી વરસાદી પાણીની આવકના માર્ગો તાત્કાલિક ખુલ્લા કરવા જોઈએ. તળાવની બાકી બચેલી જમીન પર સંકલિત વૃક્ષારોપણ લોકભાગીદારીથી અને તાત્કાલિક ધોરણે થાય તે જરૂરી છે. તળાવમાં જે થોડી ઘણી જમીન બચી છે તેને માનવ, પશુઓ અને સાર્વજનિક હેતુ માટે અનામત રાખવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ તેના પર ગેરકાયદે કબ્જો ન જમાવે. આ સાથે જ તળાવની આસપાસની સરકારી જમીન પર દબાણ ન થાય તેની કડક તકેદારી રાખવી અનિવાર્ય બની છે. તળાવની જાળવણી, વિકાસ અને રક્ષણની કાયદાકીય જવાબદારી ભુજ નગરપાલિકાની ફિક્સ થયેલી હોવાથી નગરપાલિકાએ પોતાની આળસ ખંખેરી આગળ આવવું પડશે. તળાવના માળખાકીય સુધારણા અને ભવિષ્યના આયોજન માટે સંબંધિત વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે એક વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
-------------

Comments