ધ્રોબાણામાં તંત્રનું બુલડોઝર : રણ વિસ્તારમાંથી સરકારી જમીન પરના દબાણો હટાવાયા
ભુજ - કચ્છઉદય : ખાવડા વિસ્તારના ધ્રોબાણા ગામમાં સરકારી પડતર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા રવિવારે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ભુજના પ્રાંત અધિકારી ડૉ. એ.બી. જાદવના માર્ગદર્શન હેઠળ ભુજ ગ્રામ્યના મામલતદાર એમ.એમ. માળી, સિનિયર નાયબ મામલતદાર વી.ડી. અમીન, દબાણ નાયબ મામલતદાર કે.એમ. રાઠોડ અને ખાવડા સેજાના રેવન્યુ તલાટી દિવાનસિંહ વાઘેલાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.આ દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત મોટા રણ વિસ્તારમાં આવેલા એક ધાર્મિક દબાણ સહિત કુલ ૩ હોટલો અને દુકાનો પર વહીવટી તંત્રનું બુલડોઝર ફર્યું હતું. આ કામગીરી દરમિયાન દિલદાર હોટલ, ખુશ્બુ પંજાબી હોટલ, મદીના હોટલ તેમજ પંચર અને વેલ્ડિંગની દુકાનો દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા અંદાજે ૧૨,૦૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન સંપાદન મુક્ત કરવામાં આવી છે, જેની જંત્રી ભાવ મુજબ અંદાજિત કિંમત ૯૧ લાખ રૂપિયા થવા જાય છે. તંત્રની આ ભીંસ વધારતી કાર્યવાહીથી ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
-------

Comments