ઝુરાવાડીના મહિનાથી વીજળીની અનિયમિતના કારણે કપાસના પાકને જોખમ
વારંવારની રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય હોવાનો આક્ષેપ
ભુજ-કચ્છઉદય : ભુજ તાલુકાના ઝુરાવાડી વિસ્તારમાં છેલ્લા લગભગ એક મહિનાથી વીજ પુરવઠાની ગંભીર સમસ્યા યથાવત રહેતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. હાલ વિસ્તારમાં મોટા પાયે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ સતત ફોલ્ટ અને વીજળીના અનિયમિત પુરવઠાના કારણે સિંચાઈની કામગીરી ખોરવાઈ રહી છે. પરિણામે કપાસના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ઝુરાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વારંવાર વીજ ફોલ્ટ સર્જાઈ રહ્યા છે. ઘણી વખત ત્રણથી ચાર દિવસ સુધી વીજ પુરવઠો બંધ રહેતો હોવાથી ખેતરોમાં પાણી પહોંચાડવું મુશ્કેલ બની જાય છે. કપાસનો પાક હાલ વિકાસના મહત્વના તબક્કામાં હોવાથી સમયસર પાણી ન મળે તો ઉત્પાદન પર સીધી અસર પડી શકે છે. વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતો સંપૂર્ણપણે વીજ આધારિત સિંચાઈ પર નિર્ભર બન્યા છે, પરંતુ વીજળીના અભાવે તેમની ચિંતામાં વધારો થયો છે.ખેડૂતોનો આક્ષેપ છે કે લોરિયા સબ-સ્ટેશનમાં વારંવાર ફોન દ્વારા જાણ કરવામાં આવે છે, છતાં કોઈ જવાબ મળતો નથી. ભુજ ખાતે સંબંધિત અધિકારીઓ સુધી પણ રજૂઆત પહોંચાડવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષની લાગણી વધુ પ્રબળ બની છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ બિલ ભરવામાં થોડો પણ વિલંબ થાય તો વીજ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ જ્યારે નિયમિત વીજ પુરવઠો આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે ખેડૂતોને માત્ર આશ્વાસનો જ મળે છે. ખેડૂતો પૂછે છે કે જો વીજળીના અભાવે કપાસનો પાક સુકાઈ જાય અથવા ઉત્પાદન ઘટે તો તેની જવાબદારી કોણ લેશે? ખેડૂતોને થતા આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે.આઠ કલાકના વીજ પુરવઠાની અપેક્ષાએ ખેડૂતો દિવસ-રાત વાડીઓમાં નજર રાખવા મજબૂર બન્યા છે. વીજળી ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહિતી ન મળતાં ખેડૂતોનો સમય, મહેનત અને ખર્ચ ત્રણેય બગડી રહ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ઝુરાવાડી વિસ્તારના રાજેશ શિવજી ભાનુશાલી, મોહન કરસન ભાનુશાલી, જેંતીલાલ રતનશી, વાલજી મેઘજી, ઈશ્વર નારણ, મનીષ ભાનુશાલી, પરસોત્તમ કરમશી, અહમદ જત, રજાક અબ્દુલ્લા જત અને મેઘજી જખુ માતંગ સહિતના ખેડૂતો દ્વારા વીજ વિભાગને તાત્કાલિક ફોલ્ટ દૂર કરી નિયમિત અને પૂરતો વીજ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતી બચાવવી હોય તો ઝુરાવાડી વિસ્તારની વીજ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું સમયની માંગ બની ગયું છે.
--------

Comments