Trending News
સ્થાનિક સમાચાર

૪૭ વર્ષ બાદ ફરી અભ્યાસ શરૂ કરી ધોરણ-૧૦માં ૬૪.૫૦ ટકા સાથે સફળતા

29 June


મા આશાપુરાના આશીર્વાદ અને પુત્રના પ્રોત્સાહનથી ગોવિંદભાઈ ભાનુશાલીએ રચ્યો પ્રેરણાદાયી દાખલો

ભુજ-કચ્છઉદય : શિક્ષણ માટે ઉંમર કોઈ અવરોધ નથી તે વાતને સાબિત કરતા ગોવિંદભાઈ કરશનભાઈ ભાનુશાલીએ ૪૭ વર્ષ બાદ ફરી અભ્યાસનો દોર શરૂ કરી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૬૪.૫૦ ટકા ગુણ સાથે સફળતા મેળવી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.વર્ષ ૧૯૭૯માં ધોરણ-૭ પાસ કર્યા બાદ પારિવારિક અને અન્ય સંજોગોને કારણે તેમનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો. જોકે શિક્ષણ પ્રત્યેની અડગ લગન અને કંઈક કરી બતાવવાના સંકલ્પને કારણે તેમણે ફરી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષા સંસ્થા દ્વારા એપ્રિલ-૨૦૨૬માં લેવાયેલી ધોરણ-૧૦ની પરીક્ષામાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તા. ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર થયેલા પરિણામમાં ભાનુશાલી ગોવિંદભાઈ ૬૪.૫૦ ટકા ગુણ સાથે ઉત્તીર્ણ થયા હતા. આ સફળતા બદલ તેમણે પોતાની કુળદેવી મા આશાપુરાના આશીર્વાદને શ્રેય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે માતાજીની કૃપા, આત્મવિશ્વાસ અને સતત મહેનતના બળે તેઓ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે.આ સફળતામાં તેમના પુત્ર નરેશકુમાર ભાનુશાલી જે સિવિલ એન્જિનિયર છે, તેમનો વિશેષ ફાળો રહ્યો હતો. પરીક્ષાની પ્રક્રિયા, અરજી, અભ્યાસ અંગે માર્ગદર્શન અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા સહિતની તમામ બાબતોમાં તેમણે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ગોવિંદભાઈએ પોતાના પુત્ર પ્રત્યે વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે પરિવારજનો, સ્નેહીઓ અને શુભેચ્છકોનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ૪૭ વર્ષ બાદ ફરી શાળાના પગથિયાં ચડી પ્રાપ્ત કરેલી આ સફળતા સમાજ માટે પ્રેરણાદાયી બની છે અને શિક્ષણ માટેની લગન હોય તો કોઈપણ ઉંમરે સપનાઓ સાકાર કરી શકાય છે તેવો સંદેશ આપે છે. 
--------

Comments

COMMENT / REPLY FROM