ભુજથી ઉપડતી બસોની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને હાલાકી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભુજ ડેપો મેનેજરને આપ્યું આવેદનપત્ર : ૧૫ દિવસમાં યોગ્ય ઉકેલ નહીં આવે તો ચક્કાજામની ચીમકી
ભુજ - કચ્છઉદય : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભુજ નગર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના ભુજ ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવીને બસોની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓને પડતી ભારે હાલાકી અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી ભુજ બસ સ્ટેન્ડથી ઉપડતી લોકલ રૂટની બસો, ખાસ કરીને ભુજ- ભડલી- નખત્રાણા રૂટની બસના સમયમાં અનિયમિતતા જોવા મળી રહી છે. સત્તાવાર સમય બપોરે ૧ઃ૧૫ કલાકનો છે, પરંતુ તે દરરોજ અંદાજે દોઢથી બે કલાક મોડી એટલે કે બપોરે ૩થી ૩ઃ૩૦ કલાકની આસપાસ આવે છે. બસો સમયસર ન મળવાને કારણે આ રૂટ પર અપડાઉન કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને કલાકો સુધી સ્ટેન્ડ પર બેસી રહેવું પડે છે, જેનાથી અભ્યાસ બગડે છે. વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. સહ સંયોજક શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને ધ્યાને રાખીને ભુજ- ભડલી- નખત્રાણા રૂટની બસ તેના નિયમિત અને નિયત સમયે જ ઉપડે તેમજ અન્ય તમામ રૂટની લોકલ બસો પણ સમયસર ચાલે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. જો ૧૫ દિવસમાં બસોનું યોગ્ય સમય મુજબ આયોજન કરવામાં નહીં આવે, તો વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રૂટની તમામ બસોને રોકીને ચક્કાજામ કરવામાં આવશે, અને તેના કારણે ઊભી થનારી તમામ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી એસ.ટી. વિભાગના વ્યવસ્થા તંત્રની રહેશે. આ વેળાએ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક ભરતભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા.
----

Comments