આરબીએસકેની સમયસર ઓળખથી મુન્દ્રા તાલુકાના ભુજપુરના બાળકને મળ્યું નવજીવન
હૃદયરોગની નિઃશુલ્ક સારવાર થઈ સફળ
મુન્દ્રા - કચ્છઉદય : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સમયસર નિદાન અને સતત અનુસરણને કારણે મુન્દ્રા તાલુકાના જન્મજાત હૃદયરોગ ધરાવતા બાળકને નવજીવન મળ્યું છે. સરકારની નિઃશુલ્ક સારવારથી આજે બાળક સંપૂર્ણ સ્વસ્થ થઈ શાળાએ જઈ રહ્યો છે.મુન્દ્રા મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા એજેએસ હાઈસ્કૂલ ખાતે શાળા આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ભુજપુરના ૧૪ વર્ષના ભગીરથ મેઘરાજ ગઢવીની તપાસ દરમિયાન તેને જન્મજાત હૃદયરોગની શંકા જણાઈ હતી. આરબીએસકે ટીમે તાત્કાલિક બાળકના વાલી અને શાળાના આચાર્યનો સંપર્ક કયો હતો. શરૂઆતમાં વાલીને રોગની ગંભીરતાની જાણકારી ન હોવાથી તેઓ વધુ તપાસ માટે સંમત ન હતા ત્યારે આરબીએસકેના મેડિકલ ઓફિસર અને ટીમે ધીરજપૂર્વક રોગ વિશે સમજણ આપી સમયસર સારવારનું મહત્વ સમજાવ્યું અને સરકારની નિઃશુલ્ક સારવાર યોજના વિશે માહિતગાર કર્યા હતા.સીડીએચઓ ડૉ. મિતેશ ભંડેરી અને આરસીએચઓ ડૉ. દિનેશ પટેલ, ટીએચઓ ડૉ. મેહુલ બલદાણીયાના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય ટીમ અને આરબીએસકે ટીમે પરિવાર સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો. ટીમના સંકલિત પ્રયાસોથી બાળકને અમદાવાદની યુ. એન. મહેતા હૃદયરોગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં નિષ્ણાત તબીબો દ્વારા ભગીરથનું સફળ હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.ઓપરેશન બાદ પણ આરબીએસકે ટીમે ઘરે જઈ નિયમિત ફોલોઅપ કર્યું અને બાળકના સ્વાસ્થ્યની સત દેખરેખ રાખી હતી. આજે ભગીરથ સંપૂર્ણ સ્વસ્થ છે અને નિયમિત શાળાએ જઈ અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહ્યો છે. બાળકના પરિવારજનોએ આરબીએસકે ટીમ અને જિલ્લા આરોગ્ય વિભાગનો હૃદયપૂર્વક આભાર માનતા કહ્યું કે, સમયસર મળેલ માર્ગદર્શન અને સારવારને કારણે અમારા બાળકને નવજીવન મળ્યું છે.
-------------

Comments