ભુજની વાયબલ હોસ્પિટલમાં આગ : બે મહિલા દર્દીના જીવ માંડ-માંડ બચ્યા
આજે સવારે કોર્નરના રૂમમાં આગ લાગતા બારીના કાચ તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો : સોમવારે ખુલતી બજારે આગના બનાવથી અફરાતફરી : હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો ખરા ટાંકણે કામ ન આવતા ભુજ પાલિકાની ગાડી આવી
દિલ્હી અને લખનૌની ઘટના બાદ કચ્છના તંત્રે ફાયર ચેકીંગની કાગળ પર કામગીરી કરી
ભુજ - કચ્છઉદય : ગુજરાત હોય કે દેશમાં જયારે જયારે આગના બનાવ સામે આવે ત્યારે કચ્છમાં પણ તંત્ર ફાયર સુવિધા ચકાસણીના ખોટા નાટકો કરે છે, તે આજે વધુ એક વખત પ્રસ્થાપીત થયું છે. કારણ કે ભુજના ધમધમતા એવા હોસ્પિટલ રોડ પર આવેલી વાયબલ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. ખરા ટાંકણે હોસ્પિટલના સાધનો કામ ન આવતા ભુજ પાલિકાની ગાડી આવી અને આગ બુઝાવી હતી. ફાયર બ્રિગેડનું સ્ટેશન સાવ બાજુમાં તેમજ વહેલી સવાર હોવાથી રોડ પર ટ્રાફીક ન હતો જેના કારણે બે દર્દીના જીવ બચી જતા જાનહાની ટળી છે. જો દુરનો વિસ્તાર હોય તો કેવી પરિસ્થિતિ હોય તેનો અંદાજ લગાવી શકાય. વાયબલ હોસ્પિટલના પ્રથમ માળેથી એકાએક ધુમાડાના કાળા ગોટેગોટા નીકળવાનું શરૂ થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. વ્યસ્ત વિસ્તારમાં આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ભુજ ફાયર બ્રિગેડની ટીમ આવી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતી અટકાવી હતી. હોસ્પિટલના જવાબદારો ઘટના બનતા તાત્કાલીક આવી પહોચ્યા હતા અને દર્દીઓને સલામત જગ્યા ખસેડયા હતા.આ બાબતે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે ૯.ર૦ કલાકે ફોન આવ્યો હતો. જેથી ટીમ પહોંચી હતી. ધુમાડો ખુબ ફેલાઈ જતો મહિલા દર્દી ધુમાડામાં ફસાઈ ગયા હતા. તેમને સલામત રીતે બહાર કાઢી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વિશાલ ગઢવી, મામદ જત, યશપાલસિંહ વાઘેલા, સત્યજીતસિંહ ઝાલા, રૂદ્ર જોશી સહિતના જોડાયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, સવારનો સમય હોવાથી હોસ્પિટલ રોડ પર ટ્રાફીક ન હતો જેના કારણે ફાયરની ગાડી વધુ ઝડપે આવી શકી તેમજ ફાયર સ્ટેશન નજીક છે અને આગ રોડ સાઈડના રૂમમાં લાગી હતી. જેથી પાણીનો મારો ચલાવવો સહેલો બન્યો હતો. હોસ્પિટલ રોડ પર બપોર પછી એક ગાડી કાઢવી હોય તો નાકે દમ આવી જાય છે. આવી સ્થિતિમાં જો બપોર પછી બનાવ બને તો ફાયરની ગાડીને આવતા જ કલાક થઈ જાય તેમજ દરેક હોસ્પિટલોમાં ફાયરના સાધનો ફરજીયાત છે. આ હોસ્પિટલમાં સાધનો હતા પણ ખરા ટાંકણે કામ ન આવતા ભુજ ફાયર બ્રિગેડની ગાડીને આવવું પડયું હતું. સદ્ભાગ્યે બે મહિલા દર્દીના જીવ બચી ગયા, કોઈ જાનહાની થઈ હોત તો જવાબદાર કોણ ? તે સવાલ ઉઠયો છે. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ, હોસ્પિટલ પ્રશાસન, ફાયર વીભાગ તેમજ મંજુરી આપતા ભાડા સહિતના જિલ્લા તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.
......................
બે - ત્રણ જગ્યાએ ફોટા પડાવી સરકારમાં મોકલી અધિકારીઓ પ્રસિદ્ધિ સિવાય કંઈ જ કરતા નથીઃ સ્થાનીકે ફાયર વિભાગ પાસે નિયમ ભંગ બદલ નોટીસનું કાગળ આપવાની પણ સત્તા નથી
ભુજ - કચ્છઉદય : દિલ્હીની હોટલમાં આગ લાગી, લખનૌમાં ટયુશન કલાસમાં આગ લાગી ત્યારે કચ્છના તંત્ર દ્વારા ફાયર ચેકીંગ કરવામાં આવ્યું હોવાના દાવા કરાયા હતા. બે - ત્રણ જગ્યાએ ચેકીંગ કરી ફોટા પડાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી કામગીરી કર્યાનો જશ ખાટી લેવામાં આવ્યો હતો. જો કામગીરી કરી જ હોત તો આજની આગની ઘટનામાં હોસ્પિટલના સાધનો જ કામે આવ્યા હોત. પરંતુ જયારે જયારે કોઈ જગ્યાએ દુર્ઘટના બને ત્યારે રાજય સ્તરની સુચનાને પગલે તંત્ર દ્વારા માત્ર ફોટા પડાવવાની કામગીરી કરવામાં આવે છે. અધુરામાં પુરૂ મહત્વની બાબત એ છે કે કચ્છમાં સૌથી વધુ ફાયર ફાઈટર ભુજના ફાયર વિભાગ પાસે છે. પરંતુ તેની પાસે ચેકીંગની સતા નથી. આજે પણ કોઈ જગ્યાએ ફાયર ચેકીંગ કરી નોટીસ આપવી હોય તો જવાબદાર અધિકારી રાજકોટમાં છે. આવળો મોટો કચ્છ જિલ્લો, હજારો ઉદ્યોગો, હોસ્પિટલો, સ્કુલો, ટયુશન, ગેમઝોન હોવા છતાં સ્થાનીકે ફાયર સેફટીના ભંગ બદલ એક નોટીસનું કાગળ આપવાની પણ સત્તા નથી તેનાથી વધુ કમનસીબી શું હોઈ શકે ?

Comments