ગાંધીધામમાં લાલ ગેટ પાસે ઓરડીઓની પાછળ ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડાઃ ચાર શખ્સો ઝડપાયા
ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે બાતમીના આધારે રેડ કરી ગંજીપાના અને રોકડ સહિત રૂ. ૧૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો : કાર્ગો ઝુંપડપટ્ટીના ચાર જુગારીઓ રંગેહાથ પકડાયાઃ એ.એસ.આઈ. કિશોરસિંહ જાડેજાએ તપાસ હાથ ધરી
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ શહેરના “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે લાલ ગેટ પાસે આવેલ ઓરડીઓની પાછળ જાહેર ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર સફળ દરોડો પાડી તીન-પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડા રૂપિયા તથા ગંજીપાનાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગત મુજબ, ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ સ્ટેશનથી પૂર્વ દિશામાં આશરે ૨ કિલોમીટર દૂર ઝોન લાલ ગેટ પાસે આવેલ ઓરડીઓની પાછળ ખુલ્લી જગ્યામાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન જાહેર જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીન-પત્તીનો જુગાર રમી રહેલા ચાર આરોપીઓ (૧) સુજીત અરવિંદ પાસવાન (ઉ.વ. ૨૦), (૨) રાહુલકુમાર અન્સુક્માર પોલ (ઉ.વ. ૨૦), (૩) અભિષેક શંકરસીંગ (ઉ.વ. ૨૨), અને (૪) રંજીત સહિન્દર પાસવાન (ઉ.વ. ૩૦), તમામ રહેવાસી- ગલી નં. ૦૨, કાર્ગો પી.એસ.એલ. ઝુંપડા, ગાંધીધામવાળાઓને પોલીસે કોર્ડન કરીને રંગેહાથ ઝડપી લીધા હતા.પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી કુલ રોકડા રૂપિયા ૧૮૦૦/- તથા ૫૨ નંગ ગંજીપાનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શ્રી અરવિંદભાઇ રામાભાઇ ઘાંઘરની ફરિયાદના આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સદરહુ જુગારના કેસની આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ મથકના એ.એસ.આઈ. શ્રી કિશોરસિંહ એન. જાડેજા ચલાવી રહ્યા છે, જ્યારે ગુનો દાખલ કરવાની કામગીરી એ.એસ.આઈ. શ્રી ભરતભાઈ એ. જાદવ દ્વારા કરવામાં આવી હતી.

Comments