કચ્છમાં મત્સ્ય ઉદ્યોગના ઓઠા હેઠળ મસમોટું ખનીજ કૌભાંડ ’
તળાવોના ખોદકામની આડમાં સરકારી તિજોરીને કરોડોનો ચૂનો ચોપડતી ખનીજ માફિયા અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત : મત્સ્ય તળાવોની મંજૂરીના નામે ગેરકાયદેસર ઉત્ખનન અને પરિવહનનો કાળો કારોબાર : રોયલ્ટી ચોરીના આ ખેલમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેટલાક બાબુઓની સંડોવણી અંગે નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહીની ઉગ્ર માંગ
ભુજ - કચ્છઉદય : સરહદી અને ખનીજ સંપદાથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગના વિકાસના બહાને એક એવું ભયાનક અને સુનિયોજિત ખનીજ કૌભાંડ આકાર લઈ રહ્યું છે જેણે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી મૂકી છે. મત્સ્ય ઉદ્યોગ માટે તળાવો બનાવવાના નામે પરવાનગી મેળવીને, જમીનના પેટાળમાંથી કિંમતી ખનીજ ઉલેચવાનો ગેરકાયદેસર કાળો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. આ કોઈ સામાન્ય બેદરકારી નથી, પરંતુ ખનીજ માફિયાઓ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓની સીધી મિલીભગતથી ચાલતું એક મસમોટું સુનિયોજિત કૌભાંડ હોવાની પ્રબળ આશંકાઓ સેવાઈ રહી છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાના મહેસૂલનું આંધણ થઈ રહ્યું છે.
આ અંગે જાણકાર સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, કચ્છના જુદા જુદા વિસ્તારોમાં મત્સ્ય ઉદ્યોગના નામે તળાવોના ખોદકામ માટે વહીવટી મંજૂરીઓ મેળવવામાં આવે છે. પરંતુ આ મંજૂરી પાછળનો અસલી મકસદ માછલી ઉછેરનો નહીં, પણ જમીનમાંથી નીકળતા કિંમતી ખનીજની ચોરી કરવાનો છે. તળાવના ખોદકામ દરમિયાન નીકળતા લાખો ટન ખનીજનો કોઈ જ સરકારી ચોપડે હિસાબ રાખ્યા વગર તેનું ગેરકાયદેસર ઉત્ખનન, બેફામ પરિવહન અને બજારમાં ઊંચા ભાવે વેચાણ કરીને કૌભાંડીઓ પોતાના ગજવા ભરી રહ્યા છે. આટલા મોટા પાયે ખોદકામ થતું હોવા છતાં જવાબદાર વિભાગ કેમ આંખ આડા કાન કરીને બેઠો છે? તેવો વેધક સવાલ કચ્છના જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.
આ સમગ્ર કાળા ખેલમાં રોયલ્ટીની સીધી ચોરી કરીને સરકારની કાયદેસરની આવકને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જાગૃત નાગરિકો અને સ્થાનિકોમાં ઉઠેલી ઉગ્ર માંગ અનુસાર, આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તળાવની મંજૂરીની પ્રક્રિયા, પ્રારંભિક સ્થળ તપાસના અહેવાલો, ખોદકામ માટે અપાયેલી વાસ્તવિક પરવાનગી અને અત્યાર સુધી ત્યાંથી નીકળેલા ખનીજના જથ્થાની એક-એક ઇંચની ચકાસણી થવી અનિવાર્ય બની ગઈ છે. જે ખનીજ બહાર કઢાયું તેની કાયદેસરની રોયલ્ટી ભરાઈ છે કે નહીં તેની તટસ્થ ઓડિટ તપાસ થવી જોઈએ.જો તંત્ર હજુ પણ ઘોર નિદ્રામાંથી નહીં જાગે તો ખનીજ માફિયાઓ કચ્છની ધરતીને ખોતરી ખાશે. મત્સ્ય ઉદ્યોગ વિભાગના જે અધિકારીઓએ ટેબલ નીચેથી વહીવટો કરીને આવી શંકાસ્પદ મંજૂરીઓ આપી છે અને ખનીજના પરિવહન સામે આંખો મીંચી લીધી છે, તે તમામ સંબંધિતોની ભૂમિકાની ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ. આ કૌભાંડ પાછળ સત્તાધારીઓ કે અધિકારીઓની છત્રછાયા ભોગવતા કયા ખનીજ માફિયાઓ સક્રિય છે તે ખુલ્લું પાડવાનો સમય આવી ગયો છે. પ્રજાના ટેક્સના પૈસા અને કુદરતી સંપત્તિની આ લૂંટ ચલાવી લેવાય નહીં. જો તપાસ દરમિયાન અધિકારી અને ખનીજ માફિયા વચ્ચેની કોઈ પણ પ્રકારની સાંઠગાંઠ કે નાણાકીય ગેરરીતિ સામે આવે, તો તેમની સામે દાખલારૂપ કડક કાયદાકીય રાહે ફોજદારી કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
.......................
કચ્છ જિલ્લામાં મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓની સ્થિતિ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે કુલ ૧૮ માછીમાર સહકારી મંડળીઓ હાલ નોંધાયેલ છે, જેમાંથી હાલમાં અગિયાર મંડળીઓ જિલ્લાના તમામ તાલુકાઓમાં સક્રિય રીતે કાર્યરત છે. જિલ્લામાં અત્યારે દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગની વિવિધ પ્રવૃત્તિઓ વેગવંતી અને પ્રગતિ હેઠળ છે. મત્સ્યોદ્યોગ કાયદો અને અધિનિયમ ૨૦૦૩ની જોગવાઈઓ અનુસાર, કોઈ પણ અરજદાર પોતાની માલિકીની જમીનમાં મીઠા પાણીના તળાવ બનાવીને માછલી ઉછેરની પ્રવૃત્તિ કરવા માટે જરૂરી પરવાનગી મેળવી શકે છે. જિલ્લા કચેરીથી પ્રાપ્ત વિગત અનુસાર આ નિયમ અંતર્ગત જિલ્લામાં કુલ ત્રણ અરજદારો દ્વારા પોતાની માલિકીની જમીનમાં આ પ્રવૃત્તિ હાથ ધરવા માટે અરજીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં બરંદા ગામના જત અબ્દ્રેમાન આમદ દ્વારા બે હેક્ટર માટે, ખીરસરા ગામના હિગોરા મહમદ હુસેન હાજીપીર મામદ દ્વારા ૧.૬૧ હેક્ટર માટે અને વાંઢ ગામના રાજ્યગુરુ વિવેક બાબુલાલ દ્વારા એક હેક્ટર જમીન માટે અરજી કરવામાં આવી હતી. આ પૈકી ખીરસરાના અરજદાર હવે તળાવ બનાવવા ઈચ્છતા ન હોવાથી તેમની અરજી દફતરે એટલે કે બંધ કરવામાં આવી છે, જ્યારે અન્ય બાકીના અરજદારો દ્વારા પોતાની જમીનમાં તળાવ બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.

Comments