શિણાઈ અને ભારાપરમાં તંત્રની મોટી કાર્યવાહીઃ ધાર્મિક દબાણ સહિત ૫૦થી વધુ ઓરડીઓ-કેબીનો હટાવાયા
શિણાઈ પાસે ૪૦ ચો.મી.નું ધાર્મિક દબાણ દૂર : ભારાપરમાં રેણુકા સુગર સામે રૂ.૧.૯૪ કરોડની કિંમતના ૫૦થી વધુ ગેરકાયદે ઓરડીઓ અને કેબીનો પર બુલડોઝર ફેરવાયું
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે શિણાઈ અને ભારાપર વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળોએ દબાણ દૂર કરવાની વિશાળ કાર્યવાહી કરવામાં આવી હતી. શિણાઈ ગામ નજીક સરકારી જમીન પર થયેલું અંદાજે ૪૦ ચોરસ મીટરનું ધાર્મિક દબાણ, જેની અંદાજિત કિંમત રૂ. ૪૦ હજાર જેટલી થાય છે, તે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હેઠળ દૂર કરવામાં આવ્યું હતું. તે જ સમયે, ભારાપર ગામ નજીક રેણુકા સુગર સામે આવેલા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ૫૦થી વધુ ઓરડીઓ અને કેબીનો પર પણ બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ દબાણની અંદાજિત કિંમત રૂ. ૧ કરોડ ૯૪ લાખ જેટલી હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર ડી.વાય.એસપી શ્રી ભાટિયા, પ્રોબેશનરી ડી.વાય.એસપી શ્રી ચૌધરી, મામલતદાર જાવેદભાઈ સિંધી, પી.આઈ. શ્રી વાળા, પી.આઈ. એસ.એન. કરંગીયા, પી.એસ.આઈ. શ્રી ગોહિલ સહિત મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ અને અન્ય અધિકારીઓ હાજર રહી કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.
તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આવી કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત ચાલુ રહેશે.
.....

Comments