સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોથી દોસ્તી જોખમી
આદિપુરની કન્યા શાળા અને કોલેજમાં સાયબર ક્રાઈમ તેમજ ડ્રગ્સ વિરોધી જાગૃતિ સેમિનાર યોજાયો : ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસઓજી શાખાના સંયુક્ત ઉપક્રમે આદિપુર સ્થિત કચ્છ મચ્છોયા કન્યા શાળા અને કોલેજ ખાતે સાયબર ગુનાઓ તથા નાર્કોટિક્સ ડ્રગ્સના દૂષણ અંગે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ડિજિટલ ટેક્નોલોજી અને માદક પદાર્થોના વધતા જતા પ્રકોપ સામે યુવા પેઢીને સુરક્ષિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સેમિનારમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા ટેક્નોલોજીના સલામત ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ ભૂલોથી બચવું તેની ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. વક્તાઓએ ઓનલાઇન ગેમિંગના કારણે થતા શારીરિક-માનસિક નુકસાન, આર્થિક છેતરપિંડીના આધુનિક નિતનવા ટ્રેન્ડ અને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની મિત્રતાથી સર્જાતા જોખમો વિશે સૌને વાકેફ કર્યા હતા. આ સાયબર ક્રાઈમથી બચવા માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં મજબૂત પાસવર્ડ રાખવા અને ટુ-સ્ટેપ વેરિફિકેશન પ્રક્રિયા સક્રિય કરવા જેવી ટેકનિકલ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આજના યુગમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ અને હેકિંગની પદ્ધતિઓનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે છે અને તેનાથી કેવી રીતે સાવચેત રહેવું તેની પણ કાયદાકીય અને તકનીકી માહિતી પૂરી પાડવામાં આવી હતી.સેમિનારના દ્વિતીય ચરણમાં એસઓજી શાખા દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની ઘાતક અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી. માદક પદાર્થો શું છે અને આ જીવલેણ વ્યસન કઈ રીતે માનવજાત તેમજ યુવાધનને બરબાદ કરી રહ્યું છે, તેનાથી શારીરિક, સામાજિક અને આર્થિક સ્તરે થતી મોટી હાનિ વિશે વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી. આ દૂષણથી દૂર રહીને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા માટે તમામને આહવાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સૌ શ્રોતાઓ માટે અત્યંત માહિતીસભર અને માર્ગદર્શક બની રહ્યો હતો.
----------

Comments