ભુજમાં બસ સ્ટેશન નજીક ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં અકસ્માત
ડિવાઈડર તોડી બસ રોંગ સાઈડમાં ઘૂસી : સદનસીબે જાનહાનિ ટળી
ભુજ - કચ્છઉદય : શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા બસ સ્ટેશન નજીક આવેલા રાજન શોરૂમ પાસે શનિવારે બપોરે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી મીની લક્ઝરી બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. બ્રેક પરનો કાબૂ ગુમાવતા ચાલકે સ્ટીયરીંગ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે બેકાબૂ બનેલી બસ રોડ વચ્ચેના ડિવાઈડરને તોડીને સીધી રોંગ સાઈડમાં ધસી ગઈ હતી. રોંગ સાઈડમાં આવેલી આ લક્ઝરી બસની અડફેટે આવતા અન્ય વાહનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ધોળા દિવસે ભરચક માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે રોડની આસપાસ અને ફૂટપાથ પર રોજગાર મેળવતા નાના ધંધાર્થીઓ તથા પદયાત્રીઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે, આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરની મધ્યમાં અને ટ્રાફિકથી ભરચક રહેતા રાજમાર્ગો પર બેફામ ગતિએ દોડતી ખાનગી મીની લક્ઝરી બસોના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. શહેરી વિસ્તારમાં માતેલા સાંઢની જેમ બેદરકારીપૂર્વક દોડતી આવી ખાનગી બસોની ગતિ અને ફિટનેસ પર તંત્ર દ્વારા કડક અંકુશ મૂકવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
-------------

Comments