ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન માટેના અભિયાનને વેગીલું બનાવવા સંતો દ્વારા આહવાન કરાયું
ભુજ - કચ્છઉદય : ભારત દેશમાં ગૌ માતા અને નંદી મહારાજ સહિતના ગૌવંશની સુરક્ષા, સન્માન અને સંરક્ષણ માટે સૌ સનાતનીઓ અને ગૌપ્રેમિઓએ આ મારૂં કામ છે તેમ સમજી સામુહિક રૂપે જાગૃતી આણી હસ્તાક્ષર અભિયાનમાં જોડાઈ જવા સંતો દ્વારા અપીલ કરવામાં આવી હતી.આર્ષ અધ્યયન કેન્દ્ર માધાપર ખાતે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર કચ્છમાંથી સાધુ સંતો અને સાધ્વીજીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય પ્રવક્તા ગોપાલ સ્વામી ગ્વાલાનંદ સરસ્વતી તેમજ ગુજરાતના નિયુક્ત સંત સરસ્વતી મહારાજ દ્વારા ઉપસ્થિત સમુહને સમય ગુમાવ્યા વિના અભિયાનને ગતીમય બનાવવા આહવાન કર્યું હતું તેમણે ગૌ સમ્માન આહવાન અભિયાનના બીજા તબક્કામાં પૂર્ણ સમય આપી કાર્ય કરવામાં આવે અને અગિયાર લાખ હસ્તાક્ષરો સાથે જિલ્લા કલેકટરને પ્રાર્થના પત્ર આપવા જણાવ્યું હતું.લોકો સંગઠિત થઇ ગૌ માતા માટે કાર્ય કરશે તો સરકારે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવો જ પડશે અને ગૌવંશને બચાવીશું તો જ આપણું અસ્તીસ્ત્વ ટકી શકશે તેમ જણાવ્યું હતું.સ્વામી પ્રદીપ્તાનંદજીએ એમના આર્ષ અધ્યયન કેન્દ્રમાં સંતોના પગલાને આનંદનો અવસર ગણાવી ગાય માતાના આ કાર્યમાં કચ્છના સમગ્ર સંતો વતી પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી. અત્રે એ યાદ રહે કે આ વર્ષના પ્રારંભથી સમગ્ર ભારત વર્ષમાં સાધુ સંતો દ્વારા ગૌમાતાના સમ્માન, સુરક્ષા અને સંરક્ષણ માટે દેશ વ્યાપી હસ્તાક્ષર અભિયાન છેડાયું છે જેના પ્રથમ તબક્કામાં સાડા છ કરોડથી વધુ દેશવાસીઓની સહીઓ સાથેનું પ્રાર્થના પત્ર દેશના દરેક તાલુકા સ્તરે મામલતદારના માધ્યમથી મુખ્ય મંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સુધી પહોચાડવામાં આવ્યા છે, જેમાં ભારત દેશમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરી તેને સંવૈધાનિક દરજ્જો આપી સમ્માન આપવા, તમામ નાના મોટા વેદ લક્ષણા ગૌવંશની હત્યાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવા તેમજ સંવિધાનમાં સંશોધન કરી દેશના દરેક રાજ્યોમાં ગૌ હત્યા માટેના કાનુનોને કડક અમલવારી સાથે લાગુ કરવા દ્વારા ગૌસુરક્ષા પ્રદાન કરવા ઉપરાંત ગૌચર બોર્ડ, ઘાસચારા નીતિ, કેન્દ્રીય ગોપાલન મંત્રાલય સહિત ૩૬ પ્રકારની વિવિધ ગૌવંશ માટેની યોજનાઓને લાગુ કરવાની માંગ કરવામાં આવી છે.બીજા તબક્કામાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ અંતર્ગત ૨૭ જુલાઈના દેશના દરેક જિલ્લાઓમાં સામુહિક રૂપે કરોડોની સંખ્યામાં હસ્તાક્ષરો સાથેના પ્રાર્થનાપત્રો સાધુ સંતોની આગેવાની અને સનાતની ગૌપ્રેમીઓની વિશાલ હાજરીમાં શાંતિ પૂર્ણ રેલી સાથે જિલ્લા કલેકટરને રૂબરૂ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી સંતો તેમજ કથાકારો, બ્રહ્મદેવો, ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન શાસ્ત્રી ધનેશ્વરજી મહારાજે કર્યું હતું.
------

Comments