સૂરજબારી ટોલનાકે અચાનક જ ઓવરલોડ નો મુદ્દો કેમ ઉછળ્યો? ટોલનાકા સંચાલકા-NHAI ને એકાએક જ કેમ થયું અખાજ્ઞાન ?
આરટીઓ, પોલીસ અને ખાણ-ખનીજ તંત્ર વર્ષોથી આંખ મીંચે બેઠું, તો એકાએક ટોલનાકા સંચાલકો- નેશનલ હાઈવે ઓથોરીટીને વધારાનો ટોલ વસૂલવાનો ઉમંગ ક્યાંથી ચડ્યો?
ઓવરલોડના મુદ્દે ટોલનાકા પર ઘર્ષણ, કલાકો સુધી ટ્રાફિક જામ; વાહનચાલકોમાં ઉઠ્યો સવાલ - રસ્તાઓ તૂટી રહ્યા છે એટલે હવે ટોલવાળાઓને ‘નિયમ’ યાદ આવ્યા?
ગાંધીધામઃ સૂરજબારી ટોલનાકા પર ઓવરલોડ વાહનો પાસેથી વધારાનો ટોલ વસૂલવાના મુદ્દે સર્જાયેલા ઘર્ષણ અને કલાકો સુધી ચાલેલા ટ્રાફિક જામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને બાજુ લાંબી વાહનોની કતારો લાગી જતાં પાંચથી આઠ કલાક સુધી હજારો નિર્દોષ વાહનચાલકો રસ્તા પર ફસાઈ ગયા હતા. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે જો ઓવરલોડ વાહનો ખરેખર આટલા મોટા પ્રમાણમાં દોડતા હતા, તો અત્યાર સુધી આરટીઓ, સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ શું કરી રહ્યા હતા? અને જો આ બધાં તંત્રો મૌન હતા, તો પછી એકાએક જ નેશનલ હાઈવે ઓથોરિટી અને ટોલનાકા સંચાલકોને ઓવરલોડનો મુદ્દો આટલો તીવ્ર રીતે કેમ યાદ આવ્યો?સ્થાનિક વર્તુળોમાં ચર્ચા છે કે ઓવરલોડ વાહનો કોઈ નવી ઘટના નથી. માટી, ખનીજ, રેતી સહિતના ભારે માલવાહક ટ્રકો વર્ષોથી આ માર્ગ પરથી પસાર થતા આવ્યા છે. આવા વાહનો સામે કાયદેસર કાર્યવાહી કરવાની પ્રથમ જવાબદારી આરટીઓ વિભાગની બને છે. જો ખાણ-ખનીજ સામગ્રીનું ગેરરીતિપૂર્ણ અથવા ઓવરલોડ પરિવહન થતું હોય તો ખાણ-ખનીજ વિભાગે પણ સક્રિય થવું જોઈએ. તેમજ કાયદો-વ્યવસ્થા અને માર્ગ સલામતીના દૃષ્ટિકોણે પોલીસ તંત્રની પણ ફરજ બને છે. પરંતુ લોકોનો આક્ષેપ છે કે આ બધા વિભાગો અત્યાર સુધી જાણે મૌન સહમતીથી આંખ આડા કાન કરતા બેઠા હતા, અને હવે અચાનક ટોલનાકા પર જ ઓવરલોડનો મુદ્દો ઉછાળવામાં આવ્યો.વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે આ આખા વિવાદની પાછળ માત્ર નિયમોનો પ્રશ્ન નથી, પણ વધારાના ટોલની વસૂલાત મુખ્ય કારણ બની શકે. ઓવરલોડના નામે વધારાનો ટોલ વસૂલવાનો પ્રયાસ થતા વાહનચાલકો અને ટોલનાકા સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું, બબાલ થઈ અને અંતે બંને બાજુ ભારે ટ્રાફિક જામ થયો. નિર્દોષ મુસાફરો, દર્દીઓને લઈને જતા વાહનો, નાના વેપારીઓ અને દૈનિક અવરજવર કરતા લોકો કલાકો સુધી લાઈનમાં ફસાઈ રહેતા જનાક્રોશ વધ્યો હતો.આ સમગ્ર મામલે વધુ એક ગંભીર શંકા પણ ચર્ચામાં છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું સૂરજબારી અને આસપાસના વિસ્તારમાં બનેલા નેશનલ હાઈવેના રસ્તાઓની ગુણવત્તા એટલી નબળી છે કે ઓવરલોડ વાહનોના દબાણથી હવે તેની પોલ ખુલવા લાગી છે? જો રસ્તાઓ મજબૂત અને ધોરણસર બનેલા હોય તો ઓવરલોડનો મુદ્દો વર્ષો સુધી સૂતો કેમ રહ્યો અને હવે જ શા માટે ‘જાગૃતતા’ આવી? ચર્ચા એવી છે કે વરસાદ માથે છે, માર્ગોની હાલત ઘણા વિસ્તારોમાં પહેલેથી જ નબળી છે, અને જો ભારે વાહનોના સતત દબાણથી રસ્તા વધુ ઉખડી જશે તો નેશનલ હાઈવે ઓથોરિટી, ઠેકેદારો અને ટોલનાકા સંચાલકોની સંભવિત મિલીભગત અને બેદરકારીના પ્રશ્નો વધુ તેજ બની શકે છે.સૂરજબારી ટોલનાકા પર થયેલી તાજેતરની બબાલે એક વાત તો સ્પષ્ટ કરી છે કે ઓવરલોડનો મુદ્દો માત્ર ટ્રાફિકનો પ્રશ્ન નથી; તે તંત્રોની નિષ્ક્રિયતા, માર્ગોના ધોરણ, વધારાની વસૂલાત અને સંભવિત મિલીભગત જેવા અનેક સ્તરોને સ્પર્શે છે. હવે સવાલ એ છે કે સરકાર અને સંબંધિત વિભાગો આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં? અને સૌથી અગત્યનું ઓવરલોડના નામે સામાન્ય વાહનચાલકોને હેરાન કરવામાં આવ્યા કે ખરેખર કાયદાના અમલની શરૂઆત થઈ છે?
..................
સવાલો જે સૂરજબારી ટોલનાકા કાંડમાં ઊભા થાય છે...
• ઓવરલોડ વાહનો વર્ષોથી દોડતા હતા તો આરટીઓ વિભાગ અત્યાર સુધી શું કરતો હતો? • ખાણ-ખનીજ સામગ્રીના ઓવરલોડ પરિવહન સામે ખાણ-ખનીજ વિભાગે કેટલી કાર્યવાહી કરી? • પોલીસ તંત્રને આટલા ભારે વાહનો અને તેમનો દબાણ ક્યારેય દેખાયો નહોતો? • એકાએક જ ટોલનાકા સંચાલકોને ઓવરલોડનો મુદ્દો કેમ યાદ આવ્યો? • શું આ આખી કવાયત માત્ર વધારાનો ટોલ વસૂલવા માટે હતી? • ટોલબૂથ પર થયેલી બબાલ અને ટ્રાફિક જામ માટે જવાબદાર કોણ - ટોલ સંચાલકો, તંત્રો કે ગેરવ્યવસ્થિત અમલ? • જો રસ્તાઓ મજબૂત છે તો ઓવરલોડથી આટલી ચિંતા હવે જ કેમ? અને જો રસ્તા નબળા છે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે?• વરસાદ પહેલા રસ્તાઓની હાલત બગડશે તો તેની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટી અને ઠેકેદારો લેશે? • ઓવરલોડ સામે કાયદેસર અભિયાન ચલાવવું હતું કે માત્ર ટોલના દરવાજે વસૂલાતનો નવો રસ્તો ખોલવો હતો?• હવે આ સમગ્ર પ્રકરણની ઉચ્ચસ્તરીય તપાસ થશે કે મામલો ફરી દબાઈ જશે?
................
ઓવરલોડનો મુદ્દો કે રસ્તાઓની પોલ ખુલી જવાની ભીતિ?
ગાંધીધામ : સૂરજબારી ટોલનાકા પર જે થયું તે માત્ર ટોલવિવાદ નથી. જો વર્ષોથી ઓવરલોડ વાહનો પસાર થતા હોય અને તંત્રો મૌન રહેતા હોય, તો એકાએક ઉઠેલો આ કડકાઈનો શોર શંકા જન્માવે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે નબળી ગુણવત્તાવાળા રસ્તાઓ, વરસાદ પહેલા ઊભી થનારી ખરાબ હાલત અને ઓવરલોડના કારણે તૂટી પડતી માર્ગવ્યવસ્થાની
પોલ બહાર આવી જાય તે પહેલાં જ હવે ‘નિયમ’ના નામે માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો ખરેખર કાયદાનો અમલ જ હેતુ હોય તો જવાબદારી ટોલનાકા સુધી મર્યાદિત નહીં રહે — આરટીઓ, પોલીસ, ખાણ-ખનીજ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી - બધાને જવાબ આપવો જ પડશે.
.................
ટોલબુથને જ નિયમોનો દરબાર શા માટે બનાવાયો?’
ઓવરલોડના ટોલ વધુ વસુલવા છે તો પછી આરટીઓ-પોલીસ-ખાણખનિજને સાથે રાખીને રોડ પર દોડતા આવા વાહનોને ચેક કરી રોડ પરથી જ કરોડોની રોયલ્ટી ચોરી પકડી પાડોને ? તેમાં શેની લાજ-શરમ નડે છે?
ગાંધીધામ : સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો ખરેખર ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવાની જ ઇચ્છા હોય, તો તે માત્ર ટોલનાકા પર વધારાનો ચાર્જ વસૂલીને નહીં, પરંતુ આરટીઓ,
પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત મેદાની કાર્યવાહીઓ દ્વારા થવી જોઈએ. વાહનોને રસ્તા પર જ ચેક કરવું, માલનું વજન ચકાસવું, ગેરકાયદે ખનન અથવા ઓવરલોડ પરિવહન સામે કેસ નોંધવા અને જવાબદાર તત્વો સામે દંડાત્મક પગલાં લેવા આ જ યોગ્ય રસ્તો છે. પરંતુ તેના બદલે માત્ર ટોલબૂથને જ ‘નિયમોનો દરબાર’ બનાવી દેવામાં આવે તો લોકોમાં શંકા ઊભી થવી સ્વાભાવિક છે.

Comments