Trending News
સ્થાનિક સમાચાર

જૂની અદાવતના જીવલેણ હુમલા કેસમાં મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર

26 June


ગાંધીધામ સેશન્સ કોર્ટે ગંભીર ગુનાને ધ્યાનમાં રાખી આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો

ગાંધીધામ-કચ્છઉદય : ગાંધીધામ વિસ્તારમાં જૂની અદાવતના કારણે યુવાન પર જીવલેણ હુમલો કરી છરીના ઘા મારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની રેગ્યુલર જામીન અરજી ગાંધીધામની નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કોર્ટે ગુનાની ગંભીરતા, ઇજાગ્રસ્તને થયેલી ગંભીર ઈજાઓ તેમજ કેસની પરિસ્થિતિને ધ્યાને લઈ આરોપીને જામીન પર મુક્ત કરવાની માંગ ફગાવી દીધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ, ઇજાગ્રસ્ત યુવાન સાથે અગાઉથી ચાલતી અદાવતના મનદુઃખને લઈને આરોપી કલ્પેશ ઉર્ફે કરણ અશોકભાઈ મહેશ્વરીએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડતાં ઇજાગ્રસ્તના આંતરડા બહાર આવી ગયા હતા અને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. બનાવ અંગે ગાંધીધામ "એ" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કેસમાં આરોપી કલ્પેશ ઉર્ફે કરણ અશોકભાઈ મહેશ્વરી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા દરમિયાન ગાંધીધામની ૮મી અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી સાથે પહોંચ્યો હતો. અરજીની સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી વિદ્વાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર એચ.પી. ગઢવીએ જામીનનો વિરોધ કરતાં કોર્ટ સમક્ષ કાયદાકીય દલીલો રજૂ કરી હતી. બીજી તરફ મૂળ ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ એન.વી. ચેતનાની તથા એડવોકેટ એન.પી. ડુંગરીયાએ કોર્ટમાં હાજર રહી આરોપીને જામીન ન આપવા લેખિત વાંધાઓ સાથે વિસ્તૃત રજૂઆત કરી હતી. તેમણે ગુનાની ગંભીરતા, ઇજાગ્રસ્તની સ્થિતિ તથા સાક્ષીઓ પર સંભવિત અસર જેવા મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.બંને પક્ષોની દલીલો અને કેસના ઉપલબ્ધ રેકોર્ડને ધ્યાનમાં લીધા બાદ ગાંધીધામ-કચ્છના ૮મા અધિક ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  એલ.ડી. વાઘે આરોપી કલ્પેશ ઉર્ફે કરણ અશોકભાઈ મહેશ્વરીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટના આ નિર્ણયને ફરિયાદી પક્ષ માટે મહત્વપૂર્ણ રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. 
------

Comments

COMMENT / REPLY FROM