ગાંધીધામમાં હેરોઈન સાથે એક આરોપી ઝડપાયો, એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી
ગાંધીધામ - કચ્છઉદય : પૂર્વ કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા “સે નો ટુ ડ્રગ્સ” અભિયાન હેઠળ સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી બાતમીના આધારે ઓમ સિનેપ્લેક્સ ફન બ્લાસ્ટ સામે આવેલા ખુલ્લા પ્લોટમાં પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દિલીપ ઉર્ફે દીપક સોહનલાલ ચૌહાણ (ઉ.વ. ૩૩), રહે. ૮૦૦ વાળી લાઈન, સેક્ટર-૧૪, ગાંધીધામને શંકાસ્પદ હાલતમાં ઝડપી તેની પાસેથી મળી આવેલા પદાર્થનું એફ.એસ.એલ. અધિકારી દ્વારા પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. તપાસમાં તે ૧.૯૪૦ ગ્રામ હેરોઈન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી રૂ.૩૮,૮૦૦ કિંમતનું ૧.૯૪૦ ગ્રામ હેરોઈન, રૂ.૨૦,૦૦૦ના બે મોબાઈલ ફોન અને રૂ.૩૫,૦૦૦ની હીરો કંપનીની મોટરસાયકલ ((GJ-12-DF-4231) ) મળી કુલ રૂ.૯૩,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન ડ્રગ્સ પુરું પાડનાર તરીકે રાકેશ (રહે. જોધપુર, રાજસ્થાન)નું નામ સામે આવ્યું છે. હાલ તે ફરાર છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે.આ બનાવ અંગે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૧૧૯૯ ૩૦૦૬૨ ૬૦૭૮૫/૨૦૨૬ હેઠળ એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧ (એ) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ કામગીરી પીઆઈ એમ.જે. રાઠોડ તથા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.
......

Comments