Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણા મામલતદાર કચેરીમાં ‘વચેટીયા રાજ’થી અરજદારો પરેશાન 

26 June

સરકારી દફ્તરમાં ‘કિશન’ લીલા !!!




નખત્રાણા - કચ્છઉદય : નખત્રાણા તાલુકાની આર્થિક અને વહીવટી ધરી સમાન ગણાતી મામલતદાર કચેરી હાલમાં એક આગવી અને ચિંતાજનક વહીવટી પ્રથાને કારણે સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બની છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં સામાન્ય નાગરિકોના સરકારી કામો કોઈપણ જાતની હેરાનગતિ વગર અને સીધી રીતે થાય તેવી અપેક્ષા રાખવામાં આવતી હોય છે, પરંતુ નખત્રાણાની આ મહત્વની સરકારી કચેરીમાં ચિત્ર કંઈક જુદું જ ઉપસી રહ્યું છે. કચેરીની અંદર સામાન્ય અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ગરીબ અરજદારોના સીધા કામો થવામાં જાણે કોઈ અદ્રશ્ય દીવાલ આડી આવતી હોય તેવો ઘાટ સર્જાયો છે. કચેરીમાં વહીવટી પારદર્શિતાના દાવાઓ વચ્ચે વચેટીયા એજન્ટો ભારે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હોવાના અહેવાલો સપાટી પર આવ્યા છે, જેને કારણે વહીવટી તંત્રની છબી ખરડાઈ રહી છે.
સ્થાનિક સૂત્રો અને કચેરીની મુલાકાતે આવતાં નાના અરજદારોમાંથી મળતી વિગતો અનુસાર, નખત્રાણા મામલતદાર કચેરીમાં સામાન્ય જનતા માટે સીધી લીટીમાં કામ કરાવવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. કચેરીમાં એક ચોક્કસ વચેટીયો યુવાન સમગ્ર વ્યવસ્થા પર પોતાનો અડ્ડો જમાવીને બેઠો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. સામાન્ય નાગરિક જ્યારે પોતાના કાયદેસરના કામ માટે કચેરીના ધક્કા ખાય છે ત્યારે તેને નિયમો અને કાગળોની એવી આંટીઘૂંટીમાં અટવાવી દેવામાં આવે છે કે તે નાછૂટકે કોઈ મધ્યસ્થીની શોધ કરવા મજબૂર બને છે. આ તકનો લાભ લઈને પેલો ચોક્કસ વચેટીયો યુવાન ચિત્રમાં પ્રવેશે છે. આ યુવાન જ્યાં સુધી કોઈ અરજદારનું કામ પોતાના હાથમાં ન લે ત્યાં સુધી તે ફાઈલ આગળ વધતી જ નથી અથવા તો તેમાં કોઈ ને કોઈ ટેકનિકલ ખામીઓ કાઢીને તેને લટકાવી રાખવામાં આવે છે, તેવો ગંભીર ગણગણાટ કચેરીના લોબી વિસ્તારમાં સંભળાઈ  રહ્યો છે.
આ સમગ્ર ખેલ પાછળ ચોક્કસ ગોઠવણ કામ કરી રહી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ વચેટીયો યુવાન જાણે કચેરીના જ એક બિનસત્તાવાર ભાગ સમાન બની ગયો છે. સામાન્ય અરજદાર મહિનાઓ સુધી જે કામ માટે ધક્કા ખાતો હોય, તે જ કામ આ યુવાનના હાથમાં જતાની સાથે જ ગણતરીના દિવસોમાં કે કલાકોમાં ઉકેલાઈ જતું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ બાબત જ સાબિત કરે છે કે કચેરીના આંતરિક વહીવટ અને આ વચેટીયા તત્વો વચ્ચે કોઈ ચોક્કસ તાર જોડાયેલા છે. આ વચેટીયા સંસ્કૃતિના કારણે સૌથી વધુ ભોગ નખત્રાણા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી આવતા અભણ, ગરીબ અને શ્રમિક વર્ગના લોકો બની રહ્યા છે. પોતાના રોજગારના દિવસો બગાડીને, એસટી બસોના ભાડા ખર્ચીને આવતા અરજદારો જ્યારે કચેરીમાંથી નિરાશ થઈને પાછા ફરે છે ત્યારે સરકારી તંત્ર પરથી તેમનો વિશ્વાસ ડગમગવા લાગે છે. કચેરીમાં સીધી રીતે જતા અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવાને બદલે તેમને અટવાવવામાં આવે છે, જેથી તેઓ આડકતરી રીતે આ વચેટીયા યુવાનના શરણે જવા મજબૂર બને. આ પરિસ્થિતિ વહીવટી સુધારાના મોટા-મોટા દાવાઓ પર પાણી ફેરવી રહી છે. હાલ તો નખત્રાણા મામલતદાર કચેરીમાં ચાલતા આ છૂપા ખેલને કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી કચેરીઓ જનતાની સેવા માટે હોય છે, નહીં કે વચેટીયાઓને કમાણી કરી આપવાના સાધન તરીકે. નખત્રાણાના જાગૃત નાગરિકો હવે એ માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ વહીવટી અધિકારીઓ આ બાબતની ગંભીરતાથી નોંધ લે અને કચેરીમાં બિનસત્તાવાર રીતે ધામા નાખીને બેસતા આવા એજન્ટો સામે કડક પગલાં ભરે અને કચેરીમાં ચાલતી ’કિશન લીલા’ પર લગામ મૂકવામાં આવે. જો આગામી દિવસોમાં આ વચેટીયા પ્રથા પર લગામ અટકાવવામાં નહીં આવે, તો સામાન્ય જનતાનો આક્રોશ આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. વહીવટી તંત્ર આ બાબતે કેટલી સજાગતા દાખવે છે તે હવે 
જોવાનું રહ્યું. 


......

Comments

COMMENT / REPLY FROM