Trending News
સ્થાનિક સમાચાર

નળ સે જળ કે નળ સે છળ?ઃ મહીસાગરમાં ઠેકેદારોની  ધરપકડ થઈ, તો ગાંધીધામમાં કેમ નહીં? કોની લાજશરમ?

26 June

કરોડો ખર્ચાયા, પણ પાણી ક્યાં પહોંચ્યું? ગાંધીધામની નળ સે જળ યોજના વિવાદમાં



નળ સે જળ યોજના ગાંધીધામમાં પણ તપાસના ઘેરાવમાં? ૧૩૩ કરોડના સંભવિત કૌભાંડ અંગે ઉઠતા અનેક સવાલો

અમુક ઠેકેદાર-એન્જિનિયરની સિન્ડિકેટ પર સવાલો : ગાંધીધામની નળ સે જળ યોજના તપાસના ઘેરાવમાં પ્રજાના પૈસાથી વિકાસ કે ભ્રષ્ટાચાર?  નળ સે જળ યોજનાના કામોની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ :  કાગળ પર જોડાણો અને જમીન પર ખુલ્લી 
પાઇપલાઇન?ઃ જવાબદારો સામે કાર્યવાહી થશે કે નહીં?

મહીસાગર, ડાંગ અને રાજકોટમાં કાર્યવાહી બાદ હવે ગાંધીધામમાં પણ તપાસની માંગ : ઘણા વિસ્તારોમાં મુખ્ય લાઇન સાથે જોડાણો જ નહીં હોવાના આક્ષેપ, ટેકનિકલ ઓડિટની જરૂરિયાત :  અધૂરા કામોના બિલ કોણે મંજૂર કર્યા?  પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચ સામે વાસ્તવિક લાભાર્થીઓની સંખ્યા તપાસો

ભારતનગરના વેપારીઓ હાલમાં દુખી કેમ છે? રસ્તાથી નાળા કેમ ઉચા બની ગયા છે? નલ સે જળ યોજનાના ઠેકેદારોએ આડેધળ ખાડા ખોદી નાખ્યા, જે બાદ નાળા ઉંચા કરી દેવાતા અત્યારે વેપારવર્ગ થઈ ગયો છે ત્રાહીમામ ત્રાહીમામ..! જીયુડીસી અને કામ કરનાર ઠેકેદારોના નલ સે જળ યોજનાના આડેધડ કામો કરનારાઓથી મનપા તંત્રએ લેવુ જોઈએ હવે કડક હાથે કામ

પ્રજાજનોમાંથી પણ કેમ કોઈ આગળ આવતું નથી? આવા ભ્રષ્ટાચારીઓને સીધા કરવા ફોજદારી ફરીયાદ શા માટે દાખલ કરવામા આવતી નથી? હવે તો વરસાદી નાળાની કામગીરી પણ ચાલુમાં છે, તેમાં નલ સે જળ યોજનાના નાખેલા પાઈપો ખુલ્લા પડેલા દેખાય છે? કોઈ જોડાણો કરેલા જ નથી, મુખ્ય વાલ્વ સાથે, તેવુ હવે તો ખુલ્લેખુલ્લુ દેખાય છે, છતા પણ કોઈ જ કાર્યવાહી નહી?

સકેટર વન-એ ગાયત્રી મંદિર રોડ પર આજે પણ નળ સે જળ યોજનાના પાઈપ ખુલ્લા ખાડાઓમાં વરસાદી નાળાના કામો વખતે જોડાણ વગરના જોવા મળે જ છે, જોડાણો જ અહી વાલ્વથી દીધેલા નથી તો અહી ઘરોમાં નળ સે જળ આવશે જ કયાંથી?

મહિસાગરમાં નલ સે જલ યોજનામા અનેક કોન્ટ્રાકટરો સામે ફોજદારી ફરીયાદ થઈ, ધરપકડ પણ કરાઈ છે તો ગાંધીધામમાં કેમ તપાસ પણ નથી કરવામાં આવતી? :  જો નળ સે જળ યોજનામાં નબળી ગુણવત્તાના કામ, ખોટા માપપત્રકો, અધૂરા કામ છતાં બિલ ચુકવણી અથવા સરકારી નાણાંની ગેરરીતિ સાબિત થાય તો માત્ર ઠેકેદાર જ નહીં પરંતુ સંબંધિત એન્જિનિયર, બિલ ચકાસનાર અધિકારીઓ અને ચુકવણી મંજૂર કરનાર કર્મચારીઓની પણ થવી જોઈએ જવાબદારી ફીટ


ગાંધીધામ : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઘરેઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી અમલમાં મુકાયેલી ‘નળ સે જળ’ યોજના રાજ્યના અનેક વિસ્તારોમાં વિવાદ અને ભ્રષ્ટાચારના આરોપોને લઈને ચર્ચામાં છે. મહીસાગર, ડાંગ અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં યોજનાના કામોમાં થયેલી ગેરરીતિઓ અંગે ફોજદારી ફરિયાદોથી લઈને ધરપકડ સુધીની કાર્યવાહી થઈ રહી છે. ત્યારે હવે પૂર્વ કચ્છના ઉદ્યોગનગર ગાંધીધામમાં પણ નળ સે જળ યોજનાના અમલીકરણને લઈને ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. જાણકારોના મતે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આશરે ૧૩૩ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલી યોજનામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અનેક વિસ્તારોમાં મુખ્ય પાણી લાઇન સાથે ઘરગથ્થુ જોડાણો જ આપવામાં આવ્યા નથી, જ્યારે અનેક સ્થળોએ પાઇપલાઇનો તૂટેલી અથવા ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે. પરિણામે કરોડો રૂપિયાના ખર્ચ છતાં લોકો સુધી પાણી પહોંચ્યું છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉભા થયા છે.સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી રહી છે કે કયા વિસ્તારોમાં કેટલા જોડાણો આપવામાં આવ્યા, તેનું નિરીક્ષણ કોણે કર્યું, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થયું કે નહીં અને અધૂરા કે નબળા કામોના બિલો મંજૂર કરનાર અધિકારીઓ કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. જો નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો ઠેકેદારો, જવાબદાર એન્જિનિયરો અને સંબંધિત અધિકારીઓની સંભવિત ભૂમિકા પણ સામે આવી શકે છે. જાહેર હિતમાં ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરે સમગ્ર યોજનાની સમીક્ષા કરાવી જવાબદારોની જવાબદારી નક્કી કરવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. નાગરિકોનું માનવું છે કે પ્રજાના ટેક્સના નાણાંથી ચાલતી યોજનાઓમાં થયેલી ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવી શકાય. શહેરના 
જાગૃત નાગરિકો, કાનૂનવિદો અને સામાજિક આગેવાનો પણ આ મુદ્દે આગળ આવી પારદર્શક તપાસની માંગ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

............


ગાંધીધામની નળ સે જળ યોજનામાં શું છુપાયું છે? 


• શું ૧૩૩ કરોડ રૂપિયાની નળ સે જળ યોજનાના તમામ કામો નિયમ મુજબ પૂર્ણ થયા છે? • મુખ્ય પાણી લાઇન સાથે તમામ ઘરગથ્થુ જોડાણો ખરેખર આપવામાં આવ્યા છે કે માત્ર કાગળો પર જ દર્શાવવામાં આવ્યા છે? • વિવિધ વિસ્તારોમાં પાઇપલાઇનના જોડાણોનું નિરીક્ષણ કોણે કર્યું અને તેના રેકોર્ડ ક્યાં છે? • થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થયું હતું કે નહીં? જો થયું હોય તો તેનો અહેવાલ જાહેર કેમ ન થાય? • અધૂરા અથવા નબળી ગુણવત્તાવાળા કામોના બિલો મંજૂર કરનાર અધિકારીઓ કોણ? ઠેકેદારો અને જવાબદાર એન્જિનિયરોની કામગીરીની કોઈ સ્વતંત્ર તપાસ કરવામાં આવી છે?•  શહેરમાં અનેક સ્થળોએ આજે પણ ખુલ્લી અને તૂટેલી પાઇપલાઇનો કેમ જોવા મળે છે? • જો મહીસાગર, ડાંગ અને રાજકોટમાં કાર્યવાહી થઈ શકે તો ગાંધીધામમાં તપાસ કેમ નહીં?• પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચ સામે વાસ્તવમાં કેટલા ઘરો સુધી પાણી પહોંચ્યું છે?• શું ગાંધીધામ મહાનગરપાલિકા સમગ્ર યોજનાનું ટેકનિકલ અને નાણાકીય ઓડિટ કરાવશે? • શું જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી અને વસુલાતની પ્રક્રિયા હાથ ધરાશે?• શું કમિશનર અને નવી બોડી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી સત્ય બહાર લાવશે? 
નાગરિકોનો સીધો સવાલ : નળ સે જળ યોજના હેઠળ પ્રજાને પાણી મળ્યું કે પછી માત્ર કાગળો પર જ વિકાસ વહેતો રહ્યો?

........


કાનુનવિદો-અભ્યાસુ વકીલશ્રીઓ આવે આગળ : ઠેકેદાર પર કરે કેસ : પ્રજાજનો પણ આપે સહકાર

ગાંધીધામ : ગાંધીધામ સંકુલમાં નલ સે જલ યોજનામાં રીતસરનું કરોડોનું આંધણ કરાયું છે. અમુક બની બેઠેલા ઠેકેદારો અને એન્જીનીયરો દ્વારા મેળાપીપણા કરી અને સરકારી રકમ પર રીતસરની લુંટ જ ચલાવી હોય તેમ આ યોજના નર્યુ ફારસ બનતી જોવાઈ રહી છે. જાણકારો કહીરહ્યા છે કે, હકીકતમાં હવે ગાંધીધામ સંકુલમાંથી જાગૃત અને અભ્યાસુ ધારાશાસ્ત્રીઓએ આગળ આવવુ જોઈએ અને લાપરવાહ દેખાતા ઠેકેદારો અને એન્જીનીયરોની સામે કેસ જ કરી દેખાડવો જોઈએ. એટલુ જ નહી પણ જો કોઈ અભ્યાસુ વકીલ આ બાબતે કેસ કરે તો તેમની સાથે પ્રજાજનોએ પણ સહયોગ અને સહકારમાં ખડેપગે ઉભા રહેવુ જોઈએ. 

.........


શહેરની કમનશીબી તો જુઓ, વિપક્ષ પણ મોઢા સીવીને બેઠું છે..!


ગાંધીધામ : કરોડોની રકમ સરકાર દ્વારા લોકહીતાર્થે ફાળવાયેલી હોય અને તે રકમના કામો થવાના બદલે રીતસરના ધુપ્પલ જ ચાલે ત્યારે તે વખતનું સત્તાપક્ષ ચુપ બેસે તે તો સમજી શકાય છે પરંતુ અહી તો વિપક્ષના મોઢે પણ અલીગઢી તાંણા જ લાગેલા જોવાય છે. આવુ કેમ? વિપક્ષી નેતાઓની પસંદગી થાય છે અને જયા સુધી પસંદગી ન થાય ત્યા સુધી તે પ્રજાના હામી બનવાનું દેખાય છે પરંતુ જેવી વરણી થઈ જાય કે જાણે કે તેઓ સત્તાપક્ષના ઈશારે જ એક યા બીજી કોઈ સમજુતીના લીધે ચાલતા હોય તેવો અનુભવ થવા પામી જાય છે. નહી તો વિપક્ષ માટે ગાધીધામમાં નળ સે જળ યોજનાનો મુદો પ્રજાહિતાર્થે ઉઠાવવા જેવો નથી?

.........


મનપાની નવી બોડી-કમિશ્નરશ્રી કેમ ન આદરે આ કાર્યવાહી? 


ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, ૧૯૬૩ તથા લાગુ નાણાકીય અને વહીવટી નિયમો મુજબ નગરપાલિકાને જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી, સસ્પેન્શન, નુકસાનીની વસુલાત અને સેવા સંબંધિત દંડાત્મક 
પગલાં લેવાની સત્તા છે.  જો સરકારી નાણાંની છેતરપિંડી, ખોટા દસ્તાવેજો, ખોટા પ્રમાણપત્રો અથવા મિલીભગતના પુરાવા મળે તો ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને સરકારી નાણાંના દુરુપયોગ જેવી કલમો હેઠળ ફોજદારી ગુનો પણ નોંધાઈ શકે છે. કામની ગુણવત્તા ચકાસનાર એન્જિનિયર, બિલ મંજૂર કરનાર એકાઉન્ટ વિભાગ, વહીવટી મંજૂરી આપનાર અધિકારીઓ અને લાભ મેળવનાર ઠેકેદાર સહિત તમામની ભૂમિકા તપાસના દાયરામાં આવી શકે છે. જો કામ થયા વગર અથવા અધૂરા કામ બદલ ચુકવણી થઈ હોવાનું બહાર આવે તો જવાબદારો પાસેથી નાણાંની વસુલાત કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.  મહીસાગર સહિત અન્ય જિલ્લાઓમાં થયેલી કાર્યવાહીના આધારે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જો ગાંધીધામમાં પણ સમાન પ્રકારની ગેરરીતિઓ થઈ હોય તો જવાબદારો સામે ફોજદારી ફરિયાદ, ધરપકડ અને વસુલાતની કાર્યવાહી કેમ ન કરવામાં આવે? જનતાનો સવાલ : જો અન્ય જિલ્લાઓમાં ઠેકેદારો અને અધિકારીઓ સામે કાયદાનો ડંડો ચાલે છે, તો ગાંધીધામમાં નળ સે જળ યોજનાના કામોની સ્વતંત્ર તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કેમ ન થાય?

......

Comments

COMMENT / REPLY FROM