Trending News
સ્થાનિક સમાચાર

વેનેઝુએલા અને જાપાનના ભૂકંપ પાછળનું વૈજ્ઞાનિક વિશ્લેષણ

25 June




વૈશ્વિક હલનચલન વચ્ચે કચ્છ સંપૂર્ણ સુરક્ષિત : પૃથ્વીના પેટાળમાં મસમોટી ઉથલપાથલ છતાં બંને દેશોની ભૂસ્તરશાસ્ત્રીય ઘટનાઓ તદ્દન ભિન્ન હોવાનો અને કચ્છ સાથે કોઈ સીધો સંબંધ ન હોવાનો કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડૉ. ગૌરવ ચૌહાણનો મહત્વનો ખુલાસો


ભુજ - કચ્છઉદય : છેલ્લા ચોવીસ કલાકમાં વૈશ્વિક સ્તરે પૃથ્વીના પેટાળમાં મોટી હલનચલન નોંધાઈ છે, જેના કારણે વિશ્વના બે અલગ-અલગ છેડે આવેલા દેશો પ્રચંડ આંચકાઓથી ધ્રુજી ઉઠ્યા છે. સૌપ્રથમ દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં એક અત્યંત દુર્લભ ભૂસ્તરશાસ્ત્રીય ઘટના આકાર પામી છે, જેને વૈજ્ઞાનિકો અર્થક્વેક ડબલેટ એટલે કે બેવડો ભૂકંપ કહી રહ્યા છે. વેનેઝુએલામાં ગુરુવારે વહેલી સવારે માત્ર ઓગણચાળીસ સેકન્ડના ટૂંકા ગાળામાં બે મોટા ભૂકંપ આવ્યા હતા. જેમાં પહેલો આંચકો સાન ફેલિપ નજીક સાત પોઇન્ટ બે ની તીવ્રતાનો ફોરશોક હતો અને તે જમીનથી વીસ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. આ આંચકાના કારણે પૃથ્વીના પેટાળમાં પેદા થયેલા તણાવને લીધે તરત જ તેની બાજુની ફોલ્ટ લાઇન સક્રિય થઈ ગઈ હતી. તેના પરિણામે માત્ર ઓગણચાળીસ સેકન્ડમાં યુમારેથી અઠ્ઠાવીસ કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સાત પોઇન્ટ પાંચની પ્રચંડ તીવ્રતાનો મુખ્ય ભૂકંપ આવ્યો હતો જે જમીનથી માત્ર દસ કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતો.
આ વિનાશક બેવડો ભૂકંપ જમીનની ખૂબ જ નજીક હોવાના કારણે અત્યંત ઘાતક સાબિત થયો છે, જેમાં બાવીસ માળ જેટલી ઊંચી ઇમારતો ધરાશાયી થવા સાથે ત્રીસથી વધુ લોકોના મોત નિપજ્યા છે અને સાતસોથી વધુ લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. વેનેઝુએલામાં સર્જાયેલી આ તબાહીના ગણતરીના સમયમાં જ એટલે કે ગુરુવારે સવારે ચાર વાગ્યે જાપાનના ઉત્તર-પૂર્વ કિનારે આવેલા કુજી શહેરથી ત્રીસ કિલોમીટર દુર પ્રશાંત મહાસાગરમાં છ પોઇન્ટ નવની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. જો કે આ ભૂકંપ જમીનથી આશરે પચાસ કિલોમીટરથી વધુની ઊંડાઈએ અને દરિયાના પેટાળમાં હોવાથી ત્યાં કોઈ મોટી જાનહાનિ, મિલકતનું નુકસાન કે સુનામીનો ખતરો સર્જાયો નથી.
આ સમગ્ર વૈશ્વિક ઘટનાક્રમ અંગે વિશેષ વૈજ્ઞાનિક વિશ્લેષણ આપતા કચ્છ યુનિવર્સિટીના જીઓલોજી ડિપાર્ટમેન્ટના જાણીતા ભૂસ્તરશાસ્ત્રી ડૉ. ગૌરવ ચૌહાણે જણાવ્યું છે કે સામાન્ય નાગરિકો માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે વેનેઝુએલા અને જાપાનના ભૂકંપ વચ્ચે સીધો કોઈ જ સંબંધ નથી. પૃથ્વીના નકશા પર આ બંને વિસ્તારો હજારો કિલોમીટર દૂર આવેલા છે અને બંને જગ્યાએ ભૂકંપ આવવા પાછળના વૈજ્ઞાનિક કારણો તદ્દન ભિન્ન છે. વેનેઝુએલાનો ભૂકંપ કેરેબિયન પ્લેટ અને સાઉથ અમેરિકન પ્લેટની સરહદ પર આવ્યો છે. અહીં બંને પ્લેટો સામસામે અથડાતી નથી, પરંતુ વાર્ષિક વીસ મિલીમીટરની ઝડપે આડી દિશામાં એકબીજા સાથે ઘસાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં સ્ટ્રાઈક-સ્લિપ હલનચલન કહેવામાં આવે છે. પ્લેટોની આ આડી ઘસાતી ગતિને લીધે ત્યાં પૃથ્વીની સપાટીથી ખૂબ નજીક જોરદાર આંચકા આવ્યા અને ઓછી ઊંડાઈના કારણે ત્યાં મોટી તારાજી સર્જાઈ છે.
ડૉ. ગૌરવ ચૌહાણે વધુમાં ઉમેર્યું કે વેનેઝુએલાથી તદ્દન વિપરીત જાપાનનો ભૂકંપ સબડક્શન ઝોનના કારણે આવ્યો છે. જાપાન જે વિસ્તારમાં સ્થિત છે ત્યાં પ્રશાંત મહાસાગરની પેસિફિક પ્લેટ એશિયાઈ ખંડની ઓખોત્સ્ક પ્લેટની નીચે ધસી રહી છે, એટલે કે એક પ્લેટ બીજી પ્લેટની નીચે દબાય છે. આ ઊભી હલનચલનને કારણે પ્લેટો વચ્ચે પેદા થતા ઘર્ષણથી કુજી પાસે પચાસ કિલોમીટરની ઊંડાઈએ પ્લેટ સ્લિપ થઈ અને ભૂકંપ આવ્યો હતો. ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ જો આ બંને વચ્ચે કોઈ પરોક્ષ સંબંધ અથવા વૈશ્વિક જોડાણની વાત કરીએ, તો તેને વિજ્ઞાનમાં પ્લેટ ટેક્ટોનિક્સનું વૈશ્વિક સંતુલન અથવા ગ્લોબલ ટેક્ટોનિક ઇક્વિલિબ્રિયમ કહી શકાય. પૃથ્વીની સપાટી પર આવેલી તમામ ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે એક વિશાળ પઝલની જેમ જોડાયેલી છે. જ્યારે પૃથ્વીના કોઈ એક છેડે વેનેઝુએલાની જેમ સાત પોઇન્ટ પાંચની તીવ્રતાના ભૂકંપથી પ્રચંડ ઊર્જા મુક્ત થાય છે, ત્યારે પૃથ્વીના વૈશ્વિક ટેક્ટોનિક માળખામાં સહેજ દબાણ પેદા થાય છે. આ વૈશ્વિક દબાણના બદલાવને કારણે પૃથ્વીના બીજા છેડે આવેલા અન્ય સંવેદનશીલ અને પહેલેથી જ ભારે દબાણ હેઠળ રહેલા ફોલ્ટ ઝોન, જેમ કે જાપાનનો સબડક્શન ઝોન, તેમાં ભૂકંપ આવવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. આમ આ બંને ભૂકંપ કોઈ એક જ ફોલ્ટ લાઇનના કારણે નથી આવ્યા અને તેમની પ્લેટો પણ અલગ છે, પરંતુ વૈશ્વિક સ્તરે પૃથ્વી પોતાની ટેક્ટોનિક ઊર્જાનું સંતુલન જાળવવા જે પ્રયાસો કરે છે તેના ભાગરૂપે આ આંચકાઓ એક જ દિવસમાં જોવા મળ્યા હોઈ શકે છે.
ગુજરાત અને ખાસ કરીને કચ્છના સંદર્ભમાં વાત કરતા ડૉ. ગૌરવ ચૌહાણે સ્પષ્ટ કર્યું હતું કે આ વૈશ્વિક ભૂકંપો સાથે કચ્છને કોઈ જ લેવા-દેવા નથી અને નાગરિકોએ ભયભીત થવાની કે અફવાઓ પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. દુનિયામાં ગમે ત્યાં ભૂકંપ આવે તેનાથી કચ્છમાં ભૂકંપ આવી જશે કે નહીં આવે તેવું ક્યારેય કહી શકાય નહીં. વેનેઝુએલા અને જાપાનના ભૂકંપ એ બે અલગ-અલગ પ્લેટોની સરહદ પર થતી હલનચલન એટલે કે ઇન્ટરપ્લેટ અર્થક્વેક છે. જ્યારે તેનાથી તદ્દન અલગ કચ્છમાં આવતા ભૂકંપ એ ઇન્ટ્રાપ્લેટ અર્થક્વેક છે, જેનો અર્થ એ થાય છે કે કચ્છ એક જ પ્લેટની અંદર આવેલું છે અને અહીં એક જ પ્લેટની અંદર બહુ બધા ફોલ્ટ ઝોન તથા ફ્રેક્ચર આવેલા છે જેમાંથી સમયાંતરે સ્ટ્રેસ રીલીઝ થાય છે. કચ્છના ભૂગર્ભીય ફોલ્ટની લાક્ષણિકતાઓ અને તેની હિસ્ટ્રી તદ્દન અલગ છે, તેમજ અહીં ભૂકંપ જનરેટ થવાનો સમયગાળો પણ વૈશ્વિક પ્લેટો કરતાં સાવ ભિન્ન છે. આથી વિશ્વના અન્ય દેશોની હલનચલનની કચ્છ પર કોઈ અસર થવાની નથી. જાપાન અને વેનેઝુએલા જેવા દેશોમાં વારંવાર ભૂકંપ આવતા હોવાથી ત્યાં ભૂકંપ પ્રતિરોધક બાંધકામોની ટેકનોલોજી અને વ્યાપક જનજાગૃતિ જોવા મળે છે, જે નુકસાની ઘટાડવામાં મદદરૂપ થાય છે. કચ્છના નાગરિકોએ પણ અફવાઓથી દૂર રહીને માત્ર વૈજ્ઞાનિક સત્યને જ સ્વીકારવું જોઈએ તેવું ડો. ચૌહાણ એ વધુમાં ઉમેર્યું હતું.
------------ 

Comments

COMMENT / REPLY FROM