સંત સમાગમથી જીવન પરિવર્તન થાય
ભુજ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ડૉ. જ્ઞાનનયન સ્વામીની વંદે શ્રીવચનામૃતમ વિષયક પારાયણનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : ભુજ નિર્મળસિંહની વાડી - ભાનુશાલી નગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ ખાતે પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી સારંગપુરથી પધારેલ સંત તાલીમ કેન્દ્રના અધ્યાપક સંત અને જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો. જ્ઞાનનયન સ્વામીએ વચનામૃત આધારિત જીવન ઉપયોગી અને પ્રેરણાદાયી વાણીનો અમૂલ્ય લાભ સ્રોતાજનોને આપ્યો હતો. આ પ્રસંગે કચ્છના સત્સંગ મંડળો તથા ભુજના નગરજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સત્સંગ લાભ પ્રાપ્ત કર્યો હતો.
પોતાની અમૃતવાણીનો લાભ આપતા જ્ઞાનનયન સ્વામીએ જણાવ્યું હતું કે, સંત કૃપાથી કારણ શરીર બળી જાય છે. અષ્ટ પ્રકારની મૂર્તિ અને સંત તેમાં ભગવાન અખંડ રહે છે તેમ સંત ભગવાનની જીવંત મૂર્તિ છે તે ભગવત સ્વરૂપ છે. તેવા સંતનો સમાગમ કારણ શરીર ટાળવા માટે આવશ્યક છે અને તેથી જ સંત સમાગમથી જીવન પરિવર્તન થાય છે. સંત મળે એટલે આપણામાં સદ્દગુણોનું સર્જન થાય છે. આપણી દોષ વાસના બળી જાય છે અને બદલાવ આવે છે. તેમણે ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જીવન બને તે માટે નિત્ય આહનીક, પૂજા, તિલક-ચાંદલો, ભોજનશુદ્ધિ, અભાવ અવગુણ જેવા દોષોનો ત્યાગ વગેરે અંગે વિસ્તારથી સમજ આપી હતી.આ અવસરે સત્સંગદીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકનો મુખપાઠ કરનાર અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના કાર્યક્રમમાં સહભાગી થનાર કચ્છના બાળ-બાલિકાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કોઠારી પૂ. વિવેક મંગલ સ્વામીએ આ પ્રસંગે વિશેષ રાજીપો વ્યક્ત કરી અવારનવાર આવો સત્સંગ લાભ મળતો રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી. હાલે ભુજના વિવિધ પરા વિસ્તારોના સત્સંગ મંડળોમાં ચાલતી પારાયણો અંગે માહિતી અપાઈ હતી. પૂ.અખંડસેવા સ્વામી, પૂ. પરમચૈતન્ય સ્વામી તથા પૂ. સ્નેહજીવન સ્વામીના માર્ગદર્શનમાં કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.
------------

Comments