Trending News
સ્થાનિક સમાચાર

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કચ્છ જિલ્લાના હોદ્દેદારોની વરણી કરાઈ

25 June




સમાજ સંગઠનને વધુમાં વધુ મજબુત બનાવવાની નેમ વ્યક્ત કરાઈ

ભુજ - કચ્છઉદય : સમગ્ર ભારતમાં રરથી પણ વધુ રાજ્યોમાં ફેલાયેલ સૌથી મોટા સામાજિક સંગઠન એવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કચ્છ જિલ્લાના હોદ્દદારોની વરણી રાષ્ટ્રીય અધ્યક્ષા શીલા સુખદેવસિંહ ગોગામેડીની મંજુરીથી કરવામાં આવી હતી. આ કડીમાં કચ્છ જિલ્લામાં બે વિભાગોમાં અનક્રમે પૂર્વ કચ્છના જિલ્લા અધ્યક્ષ તરીકે ગાગોદર તાલુકા રાપરના ભગવાનજી સુજાજી રાજપૂત તથા પશ્ચિમ કચ્છ જિલ્લા અધ્યક્ષ તરીકે ભુજના જયેશ મુરજીભાઈ ડુડિયા (રાજપૂત)ની નિમણુંક કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એ ભારતમાં રાજપૂત સમુદાયના ગૌરવ, સંસ્કૃતિ અને વારસાને સાચવવા માટે કાર્યરત એક અગ્રણી સામાજિક અને સાંસ્કૃતિક સંગઠન છે. આ સંગઠનની સ્થાપના ૨૦૧૫માં સ્વ. સુખદેવસિંહ ગોગામેડી દ્વારા કરવામાં આવી હતી. ર૦૧૫માં લોકેન્દ્રસિંહ કાલવીની આગેવાની હેઠળના મૂળ સંગઠન ‘રાજપૂત કરણી સેના’માંથી અલગ થઇને સુખદેવસિંહ ગોગામેડીએ ‘રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના’ની રચના કરી હતી. આ સંગઠનનો પ્રાથમિક ઉદ્દેશ્ય રાજપૂત સમાજના હિતોનું રક્ષણ, ઐતિહાસિક તથ્યોનું જતન, સામાજિક ન્યાય અને યુવાનોમાં સાંસ્કૃતિક જાગૃતિ લાવવાનો છે. આ સંસ્થા મુખ્યત્વે આર્થિક આધારિત અનામત, ઈતિહાસ સાથેની છેડછાડ સામે વિરોધ અને ગૌરક્ષા જેવા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માટે જાણીતી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦રરમાં ભુજ - કચ્છ ખાતે રાષ્ટ્રીય કક્ષાનું રાજપૂત સંમેલન સ્વ. સુખદેવસિહ ગોગમેડીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક સંમેલનમાં દેશભરમાંથી બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહીને સંમેલનને સફળ બનાવ્યું હતું. હાલમાં ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક પામેલ નેહલસિહ નકુમના વડપણ હેઠળ આ નિમણુંક કરવામાં આવી હતી. નજીકના ભવિષ્યમાં સમગ્ર કચ્છમાં સંગઠનની રચના કરી અને ગામે ગામ સમાજના યુવા, મહિલા તથા વડીલોને સંગઠનનો ભાગ બનાવી અને સમાજના ઉત્કૃષ્ટ ભવિષ્યની દિશામાં કાર્ય કરવાની નેમ હોવાનું નવનિયુક્ત અધ્યક્ષો ભગવાનજી સુજાજી રાજપૂત અને જયેશ ડુડિયાની યાદીમાં જણાવાયું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM