Trending News
સ્થાનિક સમાચાર

અંજારમાં સરકારી જમીન પરથી ગેરકાયદેસર રહેણાંક દબાણ દૂર કરાયું

25 June



આશરે ૮ લાખથી વધુની કિંમતની જમીન સરકાર હસ્તક લેવાઈ


અંજાર - કચ્છઉદય : અંજાર સીમ વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર અને બિનઅધિકૃત દબાણને વહીવટી તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું છે. મોજે અંજાર સીમ, તાલુકો અંજારના સરકારી સર્વે નંબર ૯૮૪/પૈકી વાળી જમીન પર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો દ્વારા ગેરકાયદેસર મિલકત ઊભી કરવામાં આવી હોવાની પોલીસ વિભાગ તરફથી સ્થાનિક સ્તરે ખરાઈ કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને અંજારના સર્કલ ઓફિસર દ્વારા સ્થળ તપાસ કરાવતા માલુમ પડ્યું હતું કે હંસાબેન ઉર્ફે હાંસબાઈ કરશન ગઢવી અને ધવલ શંભુગર ગુંસાઈ દ્વારા આ સરકારી જમીન પર રહેણાંક દબાણ કરવામાં આવ્યું હતું.
આ ગેરકાયદેસર દબાણ બાબતે અંજારના મામલતદાર દ્વારા લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ હેઠળ નોટિસ પાઠવીને દબાણદારને જમીનની માલિકીના જરૂરી આધારો અને પુરાવા રજૂ કરવા પૂરતી મુદત આપવામાં આવી હતી. જોકે, આ કામના દબાણદારો દ્વારા માલિકીના કોઈ આધારો રજૂ કરવામાં આવ્યા ન હતા. પુરાવા રજૂ ન કરી શકતા દબાણદારને તેમના દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દિન ૭ માં ખુલ્લું કરવા તેમજ કુલ રૂપિયા ૫૬,૭૪૯ નો દંડ સરકારમાં ભરપાઈ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.આ હુકમ છતાં દબાણદારો દ્વારા સમયસર દબાણ ખુલ્લું કરવામાં ન આવતા, આખરે  તા. ૨૫ જૂનના રોજ કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા તેમજ અંજારના નાયબ કલેક્ટર એસ. જે. ચૌધરીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અંજારના મામલતદાર બી. વી. ચાવડા, સર્કલ ઓફિસર, અંજાર તથા નાયબ મામલતદારની ટીમ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન પર થયેલ આશરે હેક્ટર ૬૭ ચોરસ મીટરનું રહેણાંક દબાણ તોડી પાડીને દૂર કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ સરકારી જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરાવીને સરકાર હસ્તક તેનો કબજો લેવામાં આવ્યો છે. જંત્રી મુજબ આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૮,૧૦,૭૦૦ જેટલી થાય છે.
------------- 

Comments

COMMENT / REPLY FROM