ખીરસરા (વિંઝાણ)માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
નવ પ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત, શિક્ષકોના સન્માન સાથે શિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ
ભુજ -કચ્છઉદય : અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ) ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવિ પેઢીને શિક્ષણના માર્ગે અગ્રેસર બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, શિક્ષણપ્રેમીઓ, વાલીઓ અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.કાર્યક્રમનું આયોજન શાળાની એસ.એમ.સી. સમિતિના અધ્યક્ષ ગફુરભાઈ હિંગોરા તથા શાળાના આચાર્ય મિતલબહેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ આદમભાઈ હિંગોરા, હાઈસ્કૂલના નિવૃત્ત પ્રિન્સિપાલ હાજી મોહમ્મદભાઈ હિંગોરા, અબડાસા તાલુકા પંચાયતના માજી સદસ્ય હાજીઆમદ હિંગોરા, મુસ્લિમ સમાજના ધર્મગુરુ તુર્ક હાજી મોહમ્મદભાઈ સહિત ગામના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ આદમભાઈ હિંગોરા દ્વારા નવપ્રવેશી વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ પ્રેરણા મળે તે માટે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત શિક્ષણ સાથે જોડાયેલા રહેવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ગામની વસ્તી ગણતરીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષિકા તોરલબહેન ઝાલાનું સન્માનપત્ર અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગામમાં બીએલઓ તરીકે કામગીરી બજાવતા શિક્ષક યોગેશભાઈ ચાવડા, શિક્ષિકા દર્શનાબહેન તેમજ સમગ્ર શાળા સ્ટાફના કાર્યની પણ પ્રશંસા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામના માજી સરપંચ રજાકભાઈ હિંગોરા અંગત કારણોસર કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા, પરંતુ તેમણે શુભેચ્છા સંદેશ પાઠવી કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા, બાળકોના શાળાપ્રવેશમાં વધારો કરવા અને શિક્ષણને લોકચળવળનું સ્વરૂપ આપવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.
--------

Comments