વસ્તી ગણતરીની શ્રેષ્ઠ કામગીરી બદલ શિક્ષિકા તોરલબેન ઝાલાનું ગ્રામ પંચાયત દ્વારા સન્માન
ભુજ - કચ્છઉદય : અબડાસા તાલુકાના ખીરસરા વિંઝાણ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા તોરલબેન ગંભીરસિંહ ઝાલાને વસ્તી ગણતરીની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ખીરસરા વિંઝાણ ગ્રામ પંચાયત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કામગીરી દરમિયાન તોરલબેન ઝાલાએ ગામના દરેક વિસ્તાર સુધી પહોંચી નિષ્ઠાપૂર્વક અને ચોકસાઈથી માહિતી એકત્રિત કરી હતી. કપરા સંજોગો અને સમયની મર્યાદા વચ્ચે પણ તેમણે જવાબદારીપૂર્વક કામગીરી પૂર્ણ કરીને પોતાની ફરજનિષ્ઠાનો પરિચય આપ્યો હતો. તેમની કામગીરીને કારણે વસ્તી ગણતરીનું કાર્ય સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શક્યું હતું. ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સેવા આપવાની સાથે તોરલબેન ઝાલાએ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં પણ સંપૂર્ણ સમર્પણ સાથે યોગદાન આપ્યું છે. તેમની કાર્યશૈલી અને સેવાભાવ અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.
ગ્રામજનો દ્વારા પણ તોરલબેન ઝાલાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને તેમના સન્માનને ગામ માટે ગૌરવની બાબત ગણાવવામાં આવી હતી. સન્માન સમારોહ દરમિયાન તેમને શુભેચ્છાઓ પાઠવી ભવિષ્યમાં પણ સમાજ અને રાષ્ટ્રસેવાના કાર્યોમાં સતત યોગદાન આપતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
---------

Comments