સ્વામિનારાયણ નગર પ્રાથમિક શાળામાં ભવ્ય પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના જુનાવાસ માધાપરની સ્વામિનારાયણ નગર પ્રાથમિક શાળામાં પ્રગતિનો શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્ય ડૉ. અશોકભાઈએ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે બાલવાટિકા તથા ધોરણ-૧માં કુલ ૧૫ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો સાથે સાથે ધોરણ ૩ થી ૮માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સીઈટી પરીક્ષા, જ્ઞાન સાધના પરીક્ષા તથા એનએમએમએસ પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઈ બરાડીયાએ વાલીઓને પોતાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવા તથા નિયમિત અને સમયસર શાળાએ મોકલવા અપીલ કરી હતી. પૂર્વ સેનેટ મેમ્બર અને કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચના ઉપપ્રમુખ દીપક ડાંગરે નવાપ્રવેશ પામનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને જીવનમાં સતત પ્રગતિ કરતા રહેવા પ્રેરણા આપી હતી. કચ્છ જિલ્લા પંચાયત ના સભ્ય રમેશભાઈ આહીરે સૌ બાળકોને આવકાતા કહ્યું હતું કે અભ્યાસ માં પ્રગતી કરી તમારા ગામ અને સમાજ નું નામ રોશન કરો તેવી શુભકામના પાઠવી હતી. ભુજ તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા ભરતભાઈ રાઠોડઅને પૂર્વ ઉપસરપંચ વિજયભાઈ રાજપુત એ સૌ વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્ય માટે શુભકામના ઓ પાઠવી હતી
આ પ્રસંગે એસએમસીના અધ્યક્ષ, એસએમસીના સભ્યો, શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકોએ અને આભારવિધિ શિક્ષિકા છાયાબેન વાળંદે કરી હતી.
----------

Comments