પૂર્વ કચ્છમાં કડકાઈ વધતાં કેમિકલ ચોર ટોળકીઓએ સુરેન્દ્રનગર બાજુ નાખ્યો પડાવ?
એસપીશ્રી સાગર બાગમારની લાલઆંખની અસર
કંડલાથી નીકળતા ટેન્કરોને હાઇવે હોટલના કમ્પાઉન્ડમાં લઈ કેમિકલ ચોરી કરતું નેટવર્ક પર્દાફાશ; ગેંગના બે મુખ્ય આરોપી ઝડપાતી વેળાએ પ્રબુદ્ધવર્ગનો સુચક ઈશારો
ખાટલે મોટી ખોટ : આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કંડલા અને પૂર્વ કચ્છમાંથી નીકળતા માલના ટ્રાન્સપોર્ટેશન પર સતત અને મલ્ટી-ડિસ્ટ્રિક્ટ મોનિટરિંગની જરૂર છે. કચ્છમાં પોલીસ કડકાઈથી ચોરીના નેટવર્કને ઝટકો મળ્યો હોય, તો હવે તેની શાખાઓ બહારના જિલ્લાઓમાં ફેલાઈ રહી છે કે કેમ તે દિશામાં પણ સંકલિત તપાસ કેમ કરવામાં નથી આવતી?
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં એસપી સાગર બાગમારની કડક કામગીરી બાદ કંડલા સહિતના બંદરોમાંથી આવતી-જતી માલવાહક ટેન્કરોમાંથી તેલ, કેમિકલ અને અન્ય કિંમતી પ્રવાહી ચીજવસ્તુઓની ચોરી કરતી ટોળકીઓએ હવે કચ્છની બહારના જિલ્લાઓમાં પોતાનો પડાવ નાખ્યો હોવાની દિશામાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે વિસ્તારમાંથી એક એવા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે કંડલાથી નીકળતા કેમિકલ ભરેલા ટેન્કરોને નક્કી કરેલા સ્થળે પહોંચાડવાને બદલે હાઇવે પર આવેલી હોટલોના કમ્પાઉન્ડમાં લઈ જઈ તેમાંમાંથી કેમિકલની ચોરી કરી બારોબાર વેચાણ કરતું હતું.મળતી વિગતો મુજબ, છેલ્લા ઘણા સમયથી કંડલા પોર્ટથી કેમિકલ ભરેલા ટેન્કરો માર્ગમાં ડાયવર્ટ કરી તેમાંમાંથી માલ ચોરી લેવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની શંકા પોલીસને હતી. હાઇવે પર આવેલી કેટલીક હોટલોના કમ્પાઉન્ડમાં ડીઝલ, પેટ્રોલ તેમજ કિંમતી કેમિકલની ચોરી થતી હોવાના બનાવો પોલીસના ધ્યાનમાં આવતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ દિશામાં અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન ગ્રામ્ય એલસીબીની ટીમને મહત્વપૂર્ણ કડી હાથ લાગી હતી.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે વટામણ હાઇવે પર આવેલી જય માતાજી હોટલના કમ્પાઉન્ડમાં વોચ ગોઠવી હતી. રવિવારે સાંજના સમયે ત્યાં એક ટેન્કરમાંથી વાલ્વનું સીલ તોડી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક દરોડો પાડી ગેંગના બે મુખ્ય સાગરિતોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ અહેમદ ટીંબાલિયા (રહે. લીંબડી) અને જયપરાજુ રાઠોડ (રહે. ચુડા) તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને સુરેન્દ્રનગર જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ છેલ્લા ઘણા મહિનાઓથી કંડલા પોર્ટ અને અન્ય વિસ્તારોમાંથી નીકળતા કેમિકલ ભરેલા ટેન્કરો પર નજર રાખતા હતા. ત્યારબાદ ટેન્કરના ડ્રાઈવર-ક્લીનર સાથે સાંઠગાંઠ, લાલચ, ફોસલામણ કે દબાણના આધારે ટેન્કરને નક્કી કરેલી ડિલિવરી જગ્યા સુધી લઈ જવાને બદલે હાઇવે પર આવેલી હોટલના કમ્પાઉન્ડમાં લાવવામાં આવતો હતો. ત્યાં ટેન્કરના વાલ્વ કે સીલ સાથે છેડછાડ કરી કિંમતી કેમિકલનો જથ્થો કાઢી લેવાતો અને બાદમાં તેનું બારોબાર વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે હવે આ ગેંગના નેટવર્ક, તેમાં સંડોવાયેલા અન્ય સભ્યો, ખરીદદારો અને ટ્રાન્સપોર્ટ ચેઇનમાં જોડાયેલા સંભવિત લોકો સુધી તપાસનો વ્યાપ વધાર્યો છે.આ સમગ્ર ઘટનાક્રમને પૂર્વ કચ્છના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો એક મહત્વનો એંગલ સામે આવે છે. કંડલા સહિતના બંદરોમાંથી નીકળતા ટેન્કરોમાં થતી તેલ-કેમિકલ ચોરીના બનાવો સામે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે છેલ્લા કેટલાક મહિનાઓમાં કડક ઝુંબેશ ચલાવી હતી. કચ્છમાં તેલ ચોરી, કેમિકલ ચોરી અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન માલની હેરાફેરી કરનારી ટોળકીઓ સામે કાયદાકીય સખ્ત કાર્યવાહી હાથ ધરાતા ઘણા ગેંગો છૂટા પડી ગયા હતા, જ્યારે કેટલાક તત્વો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું કહેવાતું હતું. કચ્છ પોલીસની કડકાઈ બાદ આવી ટોળકીઓએ હવે પોતાની ગતિવિધિઓ કચ્છની બાજુના જિલ્લાઓ, ખાસ કરીને સુરેન્દ્રનગર-અમદાવાદ હાઇવે પટ્ટા તરફ ખસેડી દીધી હોય તેવી ચર્ચા જોર પકડી રહી છે.કચ્છના બંદરોમાંથી નીકળતા કિંમતી કેમિકલ, પેટ્રોલિયમ પદાર્થો અને અન્ય પ્રવાહી માલવાહક ટેન્કરો લાંબા રૂટ પર જતા હોવાથી રસ્તામાં હેરાફેરી માટે ગેંગો માટે મોકો સર્જાતો હોય છે. ઘણી વખત ડ્રાઈવર-ક્લીનરને લલચાવી, ફોસલાવી કે ક્યારેક ધમકાવીને ટેન્કરમાંથી માલ કાઢી લેવામાં આવતો હોવાના આક્ષેપો અગાઉ પણ ઊઠ્યા છે. હવે સુરેન્દ્રનગર વિસ્તારમાં હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર ઉભું રાખીને કેમિકલ ચોરી થતી હોવાનો પર્દાફાશ થતાં સ્પષ્ટ બન્યું છે કે આ માત્ર સામાન્ય ચોરી નહીં, પરંતુ વ્યવસ્થિત રીતે ચાલતું સંગઠિત નેટવર્ક છે. પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર એ છે કે આ ગેંગને માત્ર બે આરોપીઓ સુધી મર્યાદિત ન રાખી, તેની પાછળના સમગ્ર સિંડીકેટ સુધી પહોંચવું પડશે. ટેન્કર કયા કંડલા આધારિત લોડિંગ પોઇન્ટ પરથી નીકળ્યું હતું, ડ્રાઈવર-ક્લીનરની ભૂમિકા શું હતી, હોટલના કમ્પાઉન્ડનો ઉપયોગ જાણે-બૂઝે કરવામાં આવતો હતો કે નહીં, ચોરાયેલું કેમિકલ કોને વેચાતું હતું અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો જોડાયેલા છે—તે તમામ મુદ્દાઓ હવે તપાસના કેન્દ્રમાં આવ્યા છે.

Comments