Trending News
સ્થાનિક સમાચાર

તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી પ્રાથમિકતા : વિકાસ સુંડા 

24 June




ભુજ - કચ્છઉદય : આગામી મોહરમના પવિત્ર તહેવારની શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાના અધ્યક્ષસ્થાને ભુજના તાલિમ ભવન ખાતે એક મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ મહાનિર્દેશકની સૂચના અનુસાર યોજાયેલી આ બેઠકમાં ભુજ શહેર તાજીયા સમિતિના પ્રમુખ નોડે અબ્બાસ ઇલ્યાસ સહિત કચ્છભરના મુસ્લિમ અને હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ તાજીયા કમિટીના સભ્યો અને જુલૂસના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ છેલ્લા ત્રણ દિવસથી પોલીસ સ્ટેશન કક્ષાએ અને વિભાગીય પોલીસ અધિકારી સ્તરે પણ આવી સ્થાનિક બેઠકો યોજીને પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે.જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભુજ અને સમગ્ર કચ્છની જનતાને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે. બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા તાજીયા કમિટીના સભ્યોને તહેવારના અનુસંધાને જરૂરી કાયદાકીય સૂચનાઓ આપવામાં આવી હતી, જ્યારે કમિટી તરફથી મળેલા સૂચનો અને સ્થાનિક આવશ્યકતાઓને ધ્યાને લઈ પીજીવીસીએલ અને જીઈબી જેવા સંબંધિત સરકારી વિભાગો સાથે પણ વહીવટી સંકલન સાધવામાં આવ્યું છે. તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સીસીટીવી કેમેરાની દેખરેખ સહિતની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે, જેનું ચુસ્તપણે અમલીકરણ કરવાની ખાતરી તાજીયા કમિટી દ્વારા આપવામાં આવી છે.
બીજી તરફ ભુજ શહેર તાજીયા સમિતિના પ્રમુખ નોડે અબ્બાસ ઇલ્યાસે પોલીસ તંત્રની આ પહેલને આવકારીને જણાવ્યું હતું કે, બેઠકમાં બંને સમાજના આગેવાનોએ સાથે મળીને શાંતિ જાળવવાનો કોલ આપ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારના નશા યુક્ત પદાર્થોના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અને હથિયારો સાથે ખોટી રીતે ન ફરવા અંગે કડક આદેશો આપવામાં આવ્યા છે. તાજીયાના જુલૂસ દરમિયાન પરંપરાગત રમતો રમનારા સિવાય બહારથી આવતા લુખ્ખા અને અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની અરાજકતા કે શાંતિ ભંગનો પ્રયાસ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે અને સમાજના આગેવાનો પણ આ બાબતે પોલીસ તંત્રને પૂર્ણ સહયોગ આપશે.
---------- 

Comments

COMMENT / REPLY FROM