સાટા કરાર અને ભાડુઆત તરીકેના કબજાના કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દફતરે કરવા હુકમ
ભુજ - કચ્છઉદય : ભુજ તાલુકાના કુકમા ગામે રેવન્યુ સર્વે નંબર ૩૬/૨ વાળી બિનખેતી જમીનના સબ પ્લોટ નંબર ૭-એ પર આવેલા રહેણાંક મકાન અંગે થયેલી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદને જિલ્લા કલેક્ટરની તપાસ કમિટી દ્વારા દફતરે કરવાનો મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદા અનુસાર, સાટા કરાર અને ભાડુઆત તરીકેના લાંબા સમયના કબજા ભોગવટાના આ કિસ્સાને કમિટીએ દીવાની (સિવિલ) સ્વરૂપની તકરાર ગણાવી છે અને સામાવાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ચાલવાપાત્ર ન હોવાનું ઠેરવ્યું છે.આ કેસની વિગત મુજબ, ફરિયાદી રાધાબેન સુરેશ ચૌહાણે કુકમા ગામના ઠક્કર સુરેશ શાંતિલાલ સામે કલેક્ટર સમક્ષ એવી ફરિયાદ નોંધાવી હતી કે સામાવાળાએ તાળા તોડી, ગેરકાયદેસર વીજ જોડાણ મેળવીને તેમના ખરીદેલા મકાન પર ગેરકાયદે કબજો જમાવી લીધો છે. કલેક્ટરના આદેશથી ભુજ પ્રાંત અધિકારીએ આ મામલે કાયદાની જોગવાઈઓ હેઠળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામાવાળા ઠક્કર સુરેશભાઈએ આધારસહિત લેખિત બચાવ રજૂ કર્યો હતો. પ્રાંત અધિકારીના તપાસ અહેવાલના આધારે કલેક્ટરની તપાસ કમિટીએ આ વિવાદને સંપૂર્ણપણે દીવાની પ્રકારનો ગણાવીને લેન્ડ ગ્રેબિંગની આ ફરિયાદને ફગાવી દફતરે કરવાનો હુકમ કર્યો હતો. આ ન્યાયિક કાર્યવાહીમાં સામાવાળા તરફે એડવોકેટ મહેન્દ્ર દયારામ ઠક્કર, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર તથા કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર (ઠક્કર એસોસિએટ્સ) હાજર રહ્યા હતા.
----------

Comments