છારીઢંઢ કન્ઝર્વેશન રીઝર્વમાં કુદરતી પરિબળોના કારણે માછલીઓના મોત : વન વિભાગ
ભુજ - કચ્છઉદય : કચ્છ પશ્ચિમ વન વિભાગ, ભુજ હેઠળની નખત્રાણા પશ્ચિમ રેન્જના છારીઢંઢ કન્ઝર્વેશન રીઝર્વ ફોરેસ્ટ (રામસર સાઈટ) વિસ્તારમાં આવેલા પાણીના ઢંઢમાં કુદરતી રીતે મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગના પ્રાથમિક અવલોકન અનુસાર, ઉનાળાની ઋતુમાં પાણીનું સ્તર ઘટવું, પાણીમાં ખરાશનું પ્રમાણ વધવું, લીલની અતિશય વૃધ્ધિ તેમજ તાપમાનમાં વધારો થવા જેવા કુદરતી પરિબળોના લીધે આ માછલીઓ મૃત્યુ પામી હોવાની આશંકા છે. દર વર્ષે જૂન મહિનાની શરૂઆતથી લઈને વરસાદ આવે ત્યાં સુધીના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં કુદરતી રીતે માછલીઓના મોતની ઘટનાઓ જોવા મળે છે. આ બાબતે સદર વિસ્તારમાં અવર-જવર કરતા સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું કે, રણ અને સૂકો વિસ્તાર હોવાના કારણે અહીં માટીનું પ્રમાણ વધારે છે, જેના લીધે રેતી કે ધૂળ માછલીઓની આંખમાં ઉડવાથી તેઓ દ્રષ્ટિહીન થઈ જાય છે. આમ, નખત્રાણા પશ્ચિમ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.સી.મોદીના જણાવ્યા મુજબ આવા પ્રાથમિક તારણો અને કુદરતી પરિબળોના કારણે જ આ વિસ્તારમાં દર વર્ષે માછલીઓ મૃત્યુ પામે છે.
----------

Comments