લાખોંદ શાળા પ્રવેશોત્સવમાં સનદી અધિકારીએ કરાવ્યા શિક્ષણના શ્રીગણેશ
ભુજ-કચ્છઉદય : તાલુકાના લાખોંદ ગામ સ્થિત લાખોંદ કન્યા પ્રાથમિક શાળા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્સુશ્રી શાહ માર્ગીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સુશ્રી શાહ માર્ગી મેડમે વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બાળિકાઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાસભર શિક્ષણ, નિયમિત શાળાએ હાજરી અને નવી શિક્ષણ નીતિના લાભો અંગે માહિતગાર કર્યા હતા. તેમણે વાલીઓને પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાની અપીલ પણ કરી હતી. આ પ્રસંગે શાળાની ૧૭ કન્યાઓ અને ૨૦ કુમારોને નવા પ્રવેશ આપવામાં આવ્યા હતા. નવપ્રવેશિત બાળાઓનું તિલક, ફૂલહાર અને શૈક્ષણિક કીટ તથા સ્કૂલ બેગ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર નવા શૈક્ષણિક જીવનની ખુશી સ્પષ્ટપણે જોવા મળી હતી. કાર્યક્રમમાં શાળા પરિવાર, એસ.એમ.સી.ના સભ્યો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ માટે હસમુખ આહીર, પ્રકાશ બરાડિયા, રાજેશ બરાડિયા, શંકરભાઇ બરાડિયા ખાસ સહયોગી રહ્યા હતા. અંતે શાળાના આચાર્ય ડો. મયુર ભાનુશાલીએ તમામ મહાનુભાવો અને ઉપસ્થિત વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
-----

Comments