Trending News
ક્રાઈમ

જવાહરનગરમાં ગાંજાનો ગોરખધંધો ચલાવતો શખ્સ ઝડપાયો

24 June


ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ૫૩૯ ગ્રામ ગાંજો જપ્ત કર્યો

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા “SAY NO TO DRUGS ” અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોના વેપાર અને હેરાફેરી સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે જવાહરનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસ દ્વારા વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણ અને સેવન સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ ઇન્સપેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે જવાહરનગર પુલથી ગ્રીન ગોલ્ડ ટિમ્બર તરફ જવાના માર્ગ પર આવેલા પતરાના છાપરા નીચેની લાકડાની કેબિનમાં રહેતો એક શખ્સ ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી તપાસ હાથ ધરતા પવનકુમાર રામનરેશ યાદવ (ઉ.વ. ૩૦)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેના કબજામાંથી ૫૩૯.૩૧ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ૩૧,૯૬૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ આરોપી મૂળ દરભંગા, બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને હાલ જવાહરનગર વિસ્તારમાં રહેતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ  હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોના ધંધા સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Comments

COMMENT / REPLY FROM