Trending News
ક્રાઈમ

એક જ દિવસમાં ત્રણ મોત : કેનાલ અને તળાવમાં ડૂબેલા  ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢતી ભચાઉ ફાયર ટીમ

24 June



ફતેહગઢ કેનાલમાં બે યુવકો અને સામખિયાળી તળાવમાં એક વ્યક્તિનું ડૂબી જતાં મોત

ભચાઉ - કચ્છઉદય  : ભચાઉ નગરપાલિકા ફાયર ટીમ માટે બુધવારનો દિવસ અત્યંત વ્યસ્ત અને કરુણ ઘટનાઓથી ભરેલો રહ્યો હતો. એક જ દિવસમાં અલગ-અલગ સ્થળોએ પાણીમાં ડૂબી જવાના બનાવોમાં કુલ ત્રણ લોકોના મોત થતા ફાયર ટીમે બચાવ અને શોધખોળની કામગીરી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ, તા. ૨૪ જૂન ૨૦૨૬ના રોજ સવારે આશરે ૮ વાગ્યે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને જાણ મળી હતી કે રાપર તાલુકાના ફતેહગઢ નજીક આવેલી કેનાલમાં બે યુવકો ન્હાવા દરમિયાન પગ લપસી જતા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોલ મળતા જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી. જોકે ટીમ રાપર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકો અને તંત્રની મદદથી બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની કાર્યવાહી પૂર્ણ થાય તે પહેલાં જ ફાયર ટીમને ૧૧૨ ઇમરજન્સી સેવા મારફતે સવારે આશરે ૧૧ઃ૧૫ વાગ્યે વધુ એક કોલ મળ્યો હતો. જેમાં ભચાઉ તાલુકાના સામખિયાળી તળાવમાં એક વ્યક્તિ ન્હાવા દરમિયાન ડૂબી ગયો હોવાની જાણ કરવામાં આવી હતી.રાપરથી સીધી સામખિયાળી પહોંચેલી ભચાઉ ફાયર ટીમે તાત્કાલિક રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે એક કલાકની જહેમત બાદ તળાવમાંથી ડૂબી ગયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતકની ઓળખ અનિલ બચુ દેવીપૂજક તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન ટીમ લીડર પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ અને મયુરભાઈ સહિતની ફાયર ટીમે સતત મહેનત કરી હતી. મૃતદેહોને બહાર કાઢી આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ તંત્રને સોંપવામાં આવ્યા હતા. એક જ દિવસમાં બનેલી આ ત્રણ ડૂબી જવાની ઘટનાઓએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. વરસાદી મોસમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકો ખાસ સાવચેતી રાખે તેવી અપીલ તંત્ર દ્વારા કરવામાં 
આવી છે.

 

Comments

COMMENT / REPLY FROM