ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ સામે ૨૦.૫૬ કરોડની છેતરપિંડીનો ગુનો
૧૮ વર્ષના વ્યાપારી સંબંધો બાદ કરોડો રૂપિયાનો વિશ્વાસઘાત
બાર્જ-ટગ ભાડા, સ્ટીવડોરિંગ સેવાઓ અને લોનની રકમ ન ચૂકવી ‘ઠેંગો’ બતાવ્યાનો આક્ષેપ; ચંદન માહેશ્વરીએ કહ્યું - આક્ષેપો ખોટા, કાયદાકીય પ્રક્રિયા ચાલુ
ગાંધીધામ - કચ્છઉદયઃ જામનગરની શિપિંગ પેઢી સાથે વર્ષો સુધીના વ્યાપારી સંબંધો જાળવ્યા બાદ અંતે કરોડો રૂપિયાની લેવડદેવડને લઈને ગંભીર વિવાદ પોલીસ મથક સુધી પહોંચ્યો છે. જામનગર શહેરના સીટી બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ગાંધીધામની પ્રતિષ્ઠિત ગણાતી મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી પ્રા. લિ. અને તેના ડાયરેક્ટર ચંદનકુમાર છગનલાલ મહેશ્વરી સામે રૂ. ૨૦,૫૬,૮૫,૩૮૪ની આર્થિક છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ જામનગરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતા અને શ્રીજી શિપિંગ કંપની સાથે સંકળાયેલા વેપારી અગ્રણી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુ લાલ) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, મહેશ્વરી હેન્ડલિંગ એજન્સીએ વર્ષો સુધી બાર્જ-ટગ ભાડે લેવાની, સ્ટીવડોરિંગ તથા અન્ય મરીન-લોજિસ્ટિક સેવાઓ મેળવવાની સાથે નાણાકીય વ્યવહારો પણ કર્યા, પરંતુ ચૂકવણીનો સમય આવતા કરોડો રૂપિયાની બાકીદારી હોવા છતાં રકમ ચૂકવવામાં આવી નહોતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, શ્રીજી શિપિંગ કંપની પાસેથી લેવાયેલી સેવાઓ બદલના રૂ. ૨,૫૬,૭૨,૪૪૦ બાકી રહ્યા હતા. એટલું જ નહીં, સિદ્ધિ મરીન સર્વિસિસ એલએલપી પાસેથી લેવાયેલી સેવાઓના રૂ. ૧૩,૭૩,૧૭,૬૮૭ તેમજ નરોત્તમકા કોમોડિટીઝ પ્રા. લિ. પાસેથી લેવામાં આવેલી લોન અને તેના વ્યાજની રૂ. ૪,૨૬,૯૫,૨૫૭ની રકમ પણ ચુકવવામાં આવી નહોતી. આ રીતે કુલ રૂ. ૨૦.૫૬ કરોડથી વધુની રકમ અટકાવી ફરિયાદીની પેઢી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરાયો છે.
અરજદાર પક્ષનો દાવો છે કે લગભગ ૧૮ વર્ષના વ્યાપારી સંબંધો અને પરસ્પર વિશ્વાસના આધારે સેવાઓ, સાધનો અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી હતી, પરંતુ અંતે રકમ ચૂકવવાના મુદ્દે ગાંધીધામની પેઢીએ જામનગરની કંપનીને ‘ચૂનો’ ચોપડ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. લાંબા સમયથી ચાલતા વેપારી સંબંધો વચ્ચે આવી વિશાળ રકમની બાકીદારી ઊભી થવી અને પછી મામલો સીધો પોલીસ ફરિયાદ સુધી પહોંચવો વેપાર વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.આ સમગ્ર પ્રકરણમાં જામનગર
પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૧૬(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન વ્યાપારી દસ્તાવેજો, કરારો, હિસાબી વ્યવહારો, લોનના પુરાવા અને સેવાઓ સંબંધિત રેકોર્ડની પણ ચકાસણી થવાની શક્યતા છે.જોકે, આ સમગ્ર મામલે મહેશ્વરી હેન્ડલિંગ એજન્સી, ગાંધીધામના ચંદનભાઈ મહેશ્વરીનો સંપર્ક કરતા તેમણે તમામ આક્ષેપોને “તદ્દન ખોટા” ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “અમે કોઈ રકમ પડતર રાખી નથી. આ મામલે કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે.” એટલે કે, એક તરફ જામનગરની પેઢી કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતના આક્ષેપો સાથે પોલીસ સુધી પહોંચી છે, તો બીજી તરફ ગાંધીધામની
પેઢી આક્ષેપોને નકારી કાયદાકીય લડતનો સંકેત આપી રહી છે. હવે પોલીસ તપાસમાં સત્ય કઈ બાજુ છે તે બહાર આવવાનું બાકી છે, પરંતુ ‘૧૮ વર્ષના સંબંધો બાદ ૨૦ કરોડથી વધુની બાકીદારી’નો આ વિવાદ
વેપાર જગતમાં ચકચાર મચાવનારો ચોક્કસ સાબિત થયો છે.
.......
વિશ્વાસના વેપારમાં વિશ્વાસઘાત?
૧૮ વર્ષના સંબંધો પછી ૨૦ કરોડનો વિવાદ વેપાર જગત માટે ચેતવણી સમાન
વેપાર માત્ર નફો-નુકસાનનો ખેલ નથી; તે વિશ્વાસ, સમયસર ચુકવણી અને શબ્દની કિંમત પર ટકેલો વ્યવહાર છે. પરંતુ જ્યારે ૧૮ વર્ષના સંબંધો બાદ કરોડો રૂપિયાની બાકીદારીનો વિવાદ પોલીસ મથક સુધી પહોંચે, ત્યારે સવાલ માત્ર એક કંપની સામેનો નથી રહેતો — આખી વ્યાપારી સંસ્કૃતિ સામે ઊભો થાય છે. જો ફરિયાદમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત થાય, તો આ કેસ માત્ર બાકીદારીનો નહીં,
પરંતુ વિશ્વાસના નામે કરોડો રૂપિયાની ગોટાળાભરી લેવડદેવડનો બની શકે. બીજી તરફ જો આરોપી પક્ષનો દાવો સાચો નીકળે, તો પછી એટલી મોટી રકમનો આક્ષેપ અને પોલીસ ફરિયાદ પાછળનું ગણિત પણ તેટલું જ ગંભીર બની જાય. બંને સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે — કરોડોની લેવડદેવડ માત્ર ઓળખાણ અને જૂના સંબંધોના આધાર પર ચાલે, પણ હિસાબ-કિતાબ, કરાર અને પારદર્શિતા ન હોય તો અંતે વિશ્વાસ જ સૌથી મોંઘો સાબિત થાય છે. આ કેસ હવે માત્ર બે વેપારી ગૃહો વચ્ચેનો વિવાદ નથી રહ્યો; તે કચ્છ-જામનગરના વેપાર વર્તુળો માટે ચેતવણી છે કે “લાંબા સંબંધો” હંમેશા “સુરક્ષિત વ્યવહાર”ની ગેરંટી નથી આપા.”
.........
સવાલો જે આ ૨૦ કરોડના વિવાદમાં ઊભા થાય છે...
• જો ૧૮ વર્ષથી વ્યાપારી સંબંધો હતા, તો બાકીદારી ૨૦.૫૬ કરોડ સુધી પહોંચે ત્યાં સુધી બંને પક્ષો વચ્ચે હિસાબી સમાધાન કેમ ન થયું? • બાર્જ-ટગ ભાડા, સ્ટીવડોરિંગ સેવાઓ અને લોન જેવી મોટી લેવડદેવડ લેખિત કરારો અને સુરક્ષા વિના ચાલતી હતી કે નહીં? • જામનગરની પેઢી કહે છે કે રકમ ચૂકવાઈ નથી, જ્યારે ગાંધીધામની પેઢી દાવો કરે છે કે કોઈ બાકીદારી નથી — તો સાચું કોણ? • જો રકમ ખરેખર પડતર નહોતી, તો મામલો સીધો પોલીસ ફરિયાદ સુધી કેમ પહોંચ્યો? • ૨૦ કરોડથી વધુની બાકીદારી એક જ દિવસમાં ઊભી થઈ નથી, તો વચ્ચે વચ્ચે ચૂકવણી, સમાધાન કે કાયદાકીય નોટિસોની શું સ્થિતિ રહી? • આ વ્યવહારો માત્ર બે કંપનીઓ વચ્ચે હતા કે તેમાં સંકળાયેલી અન્ય સંસ્થાઓ અને ફાઈનાન્સિયલ ગોઠવણો પણ હતી? • સિદ્ધિ મરીન સર્વિસિસ અને નરોત્તમકા કોમોડિટીઝની રકમોનો હિસાબ કોણે, ક્યારે અને કયા દસ્તાવેજો પર આધારિત ગણાવ્યો? • શું આ માત્ર નાગરિક લેવડદેવડનો વિવાદ છે કે ખરેખર શરૂઆતથી જ ચુકવણી ટાળવાના ઇરાદાથી વિશ્વાસઘાત થયો હતો? • ગાંધીધામની પ્રતિષ્ઠિત ગણાતી પેઢી સામે જામનગરના વેપારી અગ્રણીને
પોલીસ સુધી જવું પડે તેવું શું બન્યું? • હવે પોલીસ તપાસ માત્ર ફરિયાદ નોંધવામાં પૂરતી રહેશે કે પછી હિસાબી દસ્તાવેજો, બેંક ટ્રેલ અને કરારની ઊંડાણપૂર્વક તપાસ કરશે?
.....

Comments