ગળપાદર જિલ્લા જેલમાં મેગા સર્ચ ઓપરેશન
૭ PI અને ૭૦ થી વધુ પોલીસકર્મીઓએ હાથ ધર્યું સઘન ચેકિંગ : જેલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સાથે બેરેક અને સંવેદનશીલ વિસ્તારોમાં કરાઈ ખાસ તપાસ
ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામ નજીક આવેલી ગળપાદર જિલ્લા જેલમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેલ પરિસરમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ, પ્રતિબંધિત સામગ્રી અથવા સુરક્ષા સંબંધિત ખામીઓ ન રહે તે હેતુથી આ વિશેષ તપાસ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ઓપરેશનમાં પૂર્વ કચ્છ પોલીસના ૭ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ૭૦થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. પોલીસ ટીમોએ જેલના વિવિધ બેરેક, રહેણાંક વિભાગો, મુલાકાતી વિસ્તાર તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.સર્ચ ઓપરેશન દરમિયાન જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા, કેદીઓની હિલચાલ, પ્રતિબંધિત વસ્તુઓના પ્રવેશ અંગેની શક્યતાઓ અને અન્ય સુરક્ષા પાસાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેલ તંત્ર સાથે સંકલન સાધીને વિવિધ સ્થળોએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી.પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સમયાંતરે આવા ઓપરેશનો યોજી જેલોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અસરકારક નિયંત્રણ રાખી શકાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મેગા સર્ચ ઓપરેશન પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Comments