Trending News
સ્થાનિક સમાચાર

મુન્દ્રા એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને ગ્લોબલ કચ્છ ફેડરેશનનો આવકાર

23 June



ભુજ - કચ્છઉદય : ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા મુન્દ્રા એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણને સમગ્ર વૈશ્વિક કચ્છી સમાજ માટે આનંદ અને ગર્વની ઐતિહાસિક ક્ષણ ગણાવીને હાર્દિક આવકારવામાં આવ્યું છે. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન અનિલ ગોરે જણાવ્યું છે કે વિશ્વના દરેક ખૂણામાં આગવી ઓળખ ઉભી કરનારા હજારો કચ્છી પરિવારો આજે વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં તેમની લાગણી અને વિકાસની ચિંતા પોતાના વતન કચ્છ સાથે જોડાયેલી છે. તેથી કચ્છમાં વિકસતું આધુનિક એર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ વિશ્વભરના કચ્છીઓ અને તેમના વતન વચ્ચેનો એક મજબૂત સેતુ છે. દિલ્હી, મુંબઈ અને ગોવા જેવી મહત્વપૂર્ણ હવાઈ સેવાઓ ઉપલબ્ધ થતાં વિદેશથી આવતા કચ્છી પરિવારોને પોતાના વતન સુધી વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે તેમજ ભવિષ્યમાં અન્ય શહેરો માટે પણ સીધી હવાઈ સેવાઓ શરૂ થતાં વતન સાથેનું જોડાણ વધુ સુગમ બનશે.
ફેડરેશનના ડાયરેક્ટર કાનજીભાઇ રાબડિયા (ઓમાન) એ જણાવ્યું હતું કે મુન્દ્રા એરપોર્ટનું નવું ટર્મિનલ કચ્છની વધતી વૈશ્વિક ઓળખને અનુરૂપ આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરાયું છે, જે કચ્છને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સક્ષમ બનાવશે. ડાયરેક્ટર નરેશ ભાઈ મેપાણીએ જણાવ્યું હતું કે, આગામી દાયકામાં કચ્છ ભારતના સૌથી મહત્વપૂર્ણ ઔધોગિક, બંદરીય, ઊર્જા અને રોકાણ કેન્દ્રોમાંથી એક બનશે, ત્યારે આવા સમયે આ આધુનિક એરપોર્ટ સુવિધાઓ કચ્છના વિકાસને નવી ગતિ આપશે. ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણીના અનુસાર કચ્છની પ્રગતિ સમગ્ર વિશ્વમાં વસતા કચ્છી સમાજના ગૌરવ સાથે જોડાયેલી છે અને મુન્દ્રા એરપોર્ટનું નવું ટર્મિનલ આ વૈશ્વિક સંબંધોને વધુ મજબૂત બનાવી કચ્છને વિશ્વના નકશા પર વધુ પ્રતિષ્ઠિત સ્થાન અપાવશે. ફેડરેશનના ડાયરેક્ટર સચિનભાઈ નાકરે ગ્લોબલ કચ્છ ફેડરેશન વતી જીતભાઈ અદાણી, રક્ષિતભાઈ શાહ, સ્ટાર એરલાઇન્સના અમરિંદરસિંહ, અદાણી ગ્રુપ, અદાણી એરપોર્ટ્‌સ તથા મુન્દ્રા એરપોર્ટની સમગ્ર ટીમ અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
-------- 

Comments

COMMENT / REPLY FROM