કચ્છ જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીની જનરલ બેઠક યોજાઈ
ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધનો કડક અમલ કરવા અપીલ : કતલખાને જતા પશુઓને અટકાવવા અને ગૌશાળા-પાંજરાપોળને ઓથોરાઈઝ કરવા સહિતના મુદ્દે વહીવટી તંત્ર અને સભ્યો વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા કરાઈ
ભુજ-કચ્છઉદય : ભુજ ખાતે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એટલે કે એસપીસીએની મહત્વપૂર્ણ જનરલ બેઠકનું આયોજન નિવાસી અધિક કલેકટર પાર્થ કોટડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વહીવટી તંત્રના અધિકારીઓ સહિત સંસ્થાના આજીવન સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં પશુઓ પર થતા અત્યાચારો અટકાવવા તેમજ પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકના મુખ્ય એજન્ડા અંગે માહિતી આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં કતલખાને જતા પકડાતા પશુઓની સારસંભાળ માટે ઇન્ફર્મરી એજન્સી તરીકે ગૌશાળા અને પાંજરાપોળની નિયુક્તિ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત નામદાર હાઈકોર્ટના ચુકાદા અનુસાર જાહેર જગ્યાઓ પર ઉંદર પકડવા માટે વપરાતી ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્લુ ટ્રેપના કારણે ઉંદરો ખૂબ જ કરુણ અને પીડાદાયક રીતે મૃત્યુ પામતા હોવાથી, જિલ્લાના તમામ પશુ માલિકો, નાગરિકો અને વેપારીઓને આ ટ્રેપનું વેચાણ તેમજ વપરાશ તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. આગામી સમયમાં આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે.બેઠકમાં ઉપસ્થિત ગૌસેવા અગ્રણી હેમેન્દ્રભાઈ જણસારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિને ફરીથી વધુ સક્ષમ, સક્રિય અને કાર્યશીલ બનાવવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. પશુઓ પ્રત્યે થતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને ક્રૂરતા અટકાવવા માટે સરકારશ્રીના સહયોગથી નવી કમિટીઓની રચના કરવા તેમજ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સંસ્થા માટે અલગ કાર્યાલયની વ્યવસ્થા, પશુ ચિકિત્સકોની ઉપલબ્ધતા અને વાહનોની સગવડ જેવી પાયાની જરૂરિયાતો અંગે પણ સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સભ્યોના યોગ્ય સંકલનથી આગામી સમયમાં જીવદયાની પ્રવૃત્તિઓ વ્યાપક બનશે અને આવી બેઠકો નિયમિત અંતરે યોજીને કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ બેઠકમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ટિ્વંકલ પટેલ, એકલધામના મહંત પૂ. દેવનાથ બાપુ, ભરતભાઈ સોંદરવા, મનોજભાઈ સોલંકી, પરબતભાઈ, જયભાઈ, મનસુખભાઇ સહિત જિલ્લા સમિતિના ૨૦૦ જેટલા આજીવન સભ્યો હાજર રહ્યા હતા.
-----------

Comments