નિરોણામાં શાળા પ્રવેશોત્સવ સાથે સ્વચ્છતા અભિયાનને મળ્યો વેગ
પ્લાસ્ટિકના કચરાના બદલામાં સ્ટીલના વાસણ આપવાની અનોખી પહેલ
નિરોણા-કચ્છઉદય : નિરોણા ગામમાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાડી, ધોરણ-૧ તથા ધોરણ-૮ના વિદ્યાર્થીઓ સહિત કન્યા શાળા, કુમાર શાળા અને હાઈસ્કૂલના તમામ બાળકોને ઉત્સાહભેર શાળા પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના ચૌહાણ સાહેબ, જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહિર, તાલુકા પંચાયત સભ્ય જેસંગભાઈ આહીર, સરપંચ નરોત્તમભાઈ આહીર સહિત ગામના આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ ગ્રામજનો તથા બાળકો પ્લાસ્ટિકનો કચરો ગ્રામ પંચાયતને આપશે તો તેના બદલામાં સ્ટીલનું વાસણ આપવામાં આવશે. આ પહેલથી બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તેમજ સમગ્ર ગામ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે સરપંચ નરોત્તમભાઈ આહીરે જણાવ્યું હતું કે, "શિક્ષણ અને સ્વચ્છતા એ ગામના વિકાસના પાયાના સ્તંભો છે. નિરોણા ગામનો એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગામના આગેવાનો અને ગ્રામ પંચાયત સતત પ્રયત્નશીલ છે. સાથે સાથે સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત નિરોણાના નિર્માણ માટે દરેક ગ્રામજનની સહભાગિતા જરૂરી છે. પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય રાજેશભાઈ આહીર, તાલુકા પંચાયત સભ્ય જેસંગભાઈ આહીર અને સરપંચ નરોત્તમભાઈ આહીરે જણાવ્યું હતું કે ગામનો કોઈપણ બાળક આર્થિક કારણોસર શિક્ષણથી વંચિત નહીં રહે. જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ ખર્ચની જવાબદારી તેઓ દ્વારા ઉપાડવામાં આવશે. કાર્યક્રમનું આયોજન નિરોણા કન્યા શાળા, કુમાર શાળા, તમામ આંગણવાડીઓ તથા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ સાથે શિક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતો આ કાર્યક્રમ ગામમાં પ્રેરણાદાયી બન્યો હતો.
------------

Comments