અબડાસાના કોઠારા અને વરાડીયા નજીક જુગાર કલબ ધમધમી
લાખોના હારજીતના દાવ, પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા
ભુજ -કચ્છઉદય : અબડાસા તાલુકાના કોઠારા અને વરાડીયા નજીકની સીમમાં મોટા પાયે જુગાર કલબ ધમધમતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે અહીં દરરોજ લાખો રૂપિયાના હારજીતના દાવ સાથે જુગાર રમાતો હોવા છતાં સ્થાનિક પોલીસ અને એલસીબી અજાણ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક પ્રભાવશાળી લોકો અને ભાગીદારોના આશીર્વાદ હેઠળ આ જુગારધામ બેફામ રીતે ચાલી રહ્યું છે. આસપાસના વિસ્તારો ઉપરાંત અન્ય તાલુકાઓમાંથી પણ લોકો અહીં જુગાર રમવા માટે પહોંચી રહ્યા હોવાનું કહેવાય છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલતી હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર ગંજીપાના વડે જુગાર રમતા ખેલીઓ પકડાય છે પરંતુ મોટી કલબો પકડાતી નથી. નાના ખેલીઓ પકડાય છે. આ સિવાય વરલી-મટકા, સુરતી, મીલન બજાર, ચકલા-પોપટ, આંકડાનો જુગાર રમતા એકલ દોકલ ખેલીઓ પણ પકડાતા હોય છે પરંતુ મુખ્ય આકા પકડાતા નથી, જે હકીકત છે. પોલીસ માત્ર કરવા ખાતર જુગારના કેસો દાખલ કરતી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. જુગારની લતમાં અનેક પરિવારો બરબાદ થયા છે ત્યારે ડીજીપી જુગારની બદીને રોકવા આદેશ કરશે પછી જ જુગારના હાટડાઓ બંધ થશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે હાલમાં ડ્રગ્સ બાબતે ડીજીપીએ લાલઆંખ કર્યા બાદ કચ્છમાં પોલીસ સક્રિય બની છે.

Comments