Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ - ગુજરાતની સંભવતઃ પ્રથમ લોકસંગીત ગેલેરીનું એલએલડીસી ખાતે લોકાર્પણ

22 June



ભુજ - કચ્છઉખદય : શ્રુજન સંસ્થા દ્વારા સંચાલિત લિવિંગ એન્ડ લનિંગ ડિઝાઇન સેન્ટર (એલએલડીસી) - અજરખપુર ખાતે ૨૧ જૂનના રોજ “વિશ્વ સંગીત દિવસ’ નિમિત્તે નવી “મ્યુઝિક ગેલેરી”નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કચ્છની ભાતીગળ લોકસંસ્કૃતિના અભિન્ન અંગ સમા સમૃદ્ધ અને સૂરીલા લોક સંગીત વારસાને સમર્પિત આ મ્યુઝિક ગેલેરી ગુજરાતની સંભવતઃ પ્રથમ એવી ગેલેરી છે, જે આધુનિક ટેક્નોલોજીથી સંપૂર્ણ સુસજ્જ અને સંપૂર્ણપણે લોકસંગીતને સમર્પિત છે.ભવ્ય લોકાર્પણ સમારોહમાં કચ્છના અગ્રણી લોકગાયકો, વાદકો, સંગીતકારો, સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ, સંગીતરસિકો અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં લોકસંગીતના માસ્ટર કલાકાર ગની કાદર લંગા (ગની ઉસ્તાદ) અને તેમના કલાકારો દ્વારા ઢોલ, નગારા અને શહેનાઈના સુમધુર લોક શાસ્ત્રીય દ્વારા આવકાર આપાયો હતો. આ અવસરે લોક ગાયક અને આ ક્ષેત્રના નિષ્ણાત એવા લાલભાઈ રાંભિયા, કચ્છ લોક સંગીતના એનસાયક્લોપીડિયા સમાન મુરબ્બી અને સિનિયર લોક કલાકાર ગની કાદર લંઘા, શ્રુજન એલએલડીસીના ચેરમેન દીપેશભાઈ શ્રોફ, મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, સીઇઓ રાજીવભાઈ ભટ્ટ, ઉમેશભાઈ જડિયા, મઝહરુદ્દીન મુત્વા, વીઆરટીઆઈના કવિભાઈ, સ્મૃતિવનના મનોજ પાંડે, જાણીતા સંગીતકાર કીર્તિભાઈ વરસાણી, પ્રસિદ્ધ લોક ગાયક અનિરુદ્ધ આહીર અને નંદલાલ છાંગા, સિનિયર કારીગર સરિયાબેન માતા, લક્ષ્મીબેન, ઝવેરીલાલ સોનેજી, રસિક મકવાણા, કલાધર મૂતવા તથા સિનિયર કારીગર અને કલાકાર એવા મામુદ મુત્વાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો.લાલભાઈ રાંભિયાએ કાકાને યાદ કરતાં જણાવ્યું હતું કે, ‘કાકા કહેતા કે, કચ્છની મૂળભૂત ઓળખ તેની હસ્તકળા અને લોકસંગીતમાં સમાયેલી છે. તેમણે કહ્યું કે, આ સંગીત ગેલેરીના નિર્માણમાં જેટલું આપ્યું છે, તેનાથી ઘણું વધુ શીખવા અને મેળવવા મળ્યું છે. ગેલેરીના ક્યુરેટર અભિષેક રેએ જણાવ્યું હતું કે, મ્યુઝિક ગેલેરીની આ યાત્રા બે વર્ષના સતત સંશોધન, દસ્તાવેજીકરણ અને સજનાત્મક આયોજનનું પરિણામ છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અમી શ્રોફે જણાવ્યું હતું કે, એલએલડીસી ખાતે દર વર્ષે યોજાતા વિન્ટર ફેસ્ટિવલ દરમિયાન કચ્છના લોકસંગીત અને કલાકારોને રજૂ કરવામાં આવે છે, પરંતુ આ અમૂલ્ય સંગીત વારસાને વર્ષભર અનુભવવા માટે એક કાયમી સ્થાનની જરૂરિયાત અનુભવાતી હતી. આ વિચારમાંથી મ્યુઝિક ગેલેરીનું સ્વપ્ન જન્મ્યું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં કચ્છના નવા અને ઉભરતા સંગીતકારોને પણ આ ગેલેરીમાં સ્થાન મળશે અને આ ગેલેરી તેમના માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે. એલએલડીસીના સીઈઓ રાજીવ ભટ્ટે ગેલેરીના નિર્માણમાં જોડાયેલા તમામ સલાહકારો, કલાકારો, સંશોધકો અને એલએલડીસી - શ્રુજનની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ચૈતન્ય શ્રોફ, વિરેન શાહ, ખુશાલભાઈ ભાનાની, હરીશ હુરમાડે, કમલેશભાઇ સોલંકી, શામજી વિશ્રામ વણકર, અબ્દુલ જબ્બાર અને અબ્દુલ્લાહ ખત્રી બંધુ, રુચિર સોમેશ્વર, નવીનભાઈ સોની, બીપીનભાઈ સોની, કશ્યપભાઈ સોની, પંકજભાઈ ઝાલા, કલ્પના શાહ, અર્ચના સોલંકી સહિત અનેક મહાનુભાવો, સંગીત કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ લોક સંગીત સંધ્યા કાર્યક્રમમાં મઝહરુંદ્દીન મૂતવા, ફકીરા ઉસ્તાદ અને કલાકારોએ કચ્છી સિંધી કાફીઓ અને ભેથ-વાઈ ને આવરી લેતી સૂફી સંત શાહ અબ્દુલ લતિફ ભીટાઈની રચનાઓ ગાઈ સંગીત પ્રેમીઓને મંત્ર મુગ્ધ કર્યા હતા.
ગેલેરીનું એક વિશેષ આકર્ષણ ઇન્ટરેક્ટિવ ફોક ફ્યુઝન સ્ટુડિયો (ગેરેજ બેન્ડ) છે, જ્યાં મુલાકાતીઓ કચ્છી સંગીતના સાધનોનો ઉપયોગ કરીને પોતાનું સંગીત કમ્પોઝ પણ કરી શકે છે. કચ્છમાં પ્રથમ વખત રજૂ કરાયેલો આ અદભૂત અનુભવ મુલાકાતીઓને સંગીત સર્જનની પ્રક્રિયા સાથે સીધા જોડે છે. એલએલડીસી મ્યુઝિક ગેલેરી ૨૩ જૂન મંગળવારથી જાહેર જનતા માટે ખુલ્લી રહેશે. મુલાકાતનો સમય દરરોજ સવારે ૯ઃ૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે.
-------------

Comments

COMMENT / REPLY FROM