કચ્છમાં પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન સમિતિની બેઠક યોજાઈ
ભુજ - કચ્છઉદય : આગામી તા. ૨૮ જૂના રોજ યોજાનાર રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન સમિતિની બેઠક જિલ્લા પંચાયત, ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા રસીકરણ અધિકારી, તમામ તાલુકા હેલ્થ ઓફિસરો, આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા રોગચાળો નિયંત્રણ અધિકારી, જિલ્લા ઇમ્યુનાઇઝેશન ટીમ તેમજ આઈએપી, આઈએમએ અને રોટરી ક્લબના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન તા. ૨૮ જૂનના રોજ યોજાનાર પલ્સ પોલિયો અભિયાનની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં અંદાજિત ૩,૧૪,૨૯૩ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે ૪,૮૫,૧૧૫ ઘરો સુધી પહોંચવા માટે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અભિયાનના સફળ અમલીકરણ માટે જિલ્લામાં કુલ ૧,૫૦૬ પોલિયો બુથો કાર્યરત રહેશે તેમજ ૨,૫૫૩ ટીમો દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. એકપણ બાળક પોલિયોના ટીપાંથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આઈસીડીએસ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી કામગીરી કરવામાં આવશે.બેઠકમાં પોલિયો રાઉન્ડ, રૂટિન ઇમ્યુનાઇઝેશન, ટ્રાન્ઝિટ અને મોબાઇલ ટીમોની કામગીરી, જનજાગૃતિ અભિયાન તેમજ સુપરવિઝન વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અધ્યક્ષએ તમામ વિભાગોને સંપૂર્ણ સંકલન સાથે કાર્ય કરી અભિયાનને શત-પ્રતિશત સફળ બનાવવા સૂચના આપી હતી. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ વાલીઓને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને તા. ૨૮ જૂનના રોજ નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરવામાં આવી છે.
-----

Comments