કચ્છ સહિત રાજ્યમાં પ્રોપર્ટી ગ્રાહકોના હિતમાં બિલ્ડરો પર વધુ સકંજો કસવા ‘ગુજરેરા’ની મોટી તૈયારી
જે બિલ્ડર પર ગંભીર ફરિયાદો પેન્ડિંગ હશે તો નવા પ્રોજેક્ટને મંજૂરી નહીં મળે
ભુજ - કચ્છઉદય : કચ્છ સહિત રાજ્યના પ્રોપર્ટી ગ્રાહકોને છેતરપિંડીનો શિકાર બનતા અટકાવવા માટે ‘રેરા’ કાયદો અમલી હોવા છતાં, બિલ્ડરોના અવનવા કારનામાઓ સામે આવતા રહે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરેરા (ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) દ્વારા બિલ્ડરો વિશેની સંપૂર્ણ માહિતી જાહેર કરવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ કડક નિયમોની અમલવારી હવે કચ્છ જિલ્લામાં પણ સખત રીતે કરવામાં આવશે, જેના કારણે જો કોઈ બિલ્ડર ગ્રાહકો સાથે ગેરરીતિ કે છેતરપિંડી કરવાની કોશિશ કરશે તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે ગ્રાહકો કોઈપણ પ્રોજેક્ટમાં પોતાની મહેનતની કમાણી રોકતા પહેલાં બિલ્ડરનો જૂનો ટ્રેક રેકોર્ડ અને તેની વિશ્વસનીયતા ઓનલાઈન ચકાસી શકશે.આ સૂચિત યોજના અંતર્ગત હવે જ્યારે પણ નવા પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે, ત્યારે જ તેના પ્રમોટર અને ભાગીદારોનો ઇતિહાસ ગુજરેરાના પોર્ટલ પર જાહેર કરી દેવાશે. જો કોઈ બિલ્ડર સામે ભૂતકાળની ગંભીર ફરિયાદો હશે અને તેનો ઉકેલ લાવવાનો બાકી હશે, તો ઓથોરિટી દ્વારા તેમના નવા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. નવી વ્યવસ્થા મુજબ બિલ્ડરના જૂના પ્રોજેક્ટ્સની વિગતો અને તેની સામે થયેલી ફરિયાદો નવા રજિસ્ટર્ડ પ્રોજેક્ટના પ્રમોટર પ્રોફાઇલ સેક્શનમાં સ્પષ્ટપણે જોઈ શકાશે. આમાં નવા પ્રોજેક્ટ સાથે જોડાયેલા વ્યક્તિગત ભાગીદારો સામેની જૂની ફરિયાદોનો પણ સમાવેશ થઈ જશે. અત્યાર સુધી બિલ્ડરો કે ડેવલપર્સની આ પ્રકારની માહિતી માત્ર સરકારી રેકોર્ડમાં આંતરિક રીતે જ ટ્રેક કરવામાં આવતી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેને જાહેર જનતા માટે વેબસાઈટ પર ખુલ્લી મૂકી દેવાશે. ઓથોરિટી હવે બિલ્ડરો અને પ્રમોટર-પાર્ટનર કંપનીઓના પાન કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને તેમના જૂના પ્રોજેક્ટ્સનો ઇતિહાસ ભેગો કરી રહી છે. ગ્રાહકો જેઓ પોતાના જીવનની સૌથી મોટી આર્થિક મૂડી ઘર કે દુકાન ખરીદવામાં રોકે છે, તેમના માટે આ ફેરફાર આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ એડવાન્સ બુકિંગ કરાવતા પહેલાં જ ડેવલપરની કામગીરીનો સ્પષ્ટ અંદાજ મેળવી શકશે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જવાબદારી હોવી અનિવાર્ય છે અને આ નિર્ણયથી એવા બિલ્ડરોને કડક સંદેશ મળશે જેઓ ગ્રાહકોની ફરિયાદોને ગંભીરતાથી લેતા નથી. આ કડક કદમ ઉઠાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગમાં ચાલતી એ સામાન્ય પ્રથાને રોકવાનો છે, જેમાં બિલ્ડરો પોતાના જૂના પ્રોજેક્ટ્સ અધૂરા છોડીને કે વિવાદોમાં મૂકીને, તેની વિગતો છુપાવીને નવી લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ કે નવી ભાગીદારી પેઢીઓ બનાવીને બજારમાં નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરી દેતા હતા. બિલ્ડરો દ્વારા વારંવાર બદલાતા આ ભાગીદારીના માળખાને કારણે ભોળા ખરીદદારો માટે પ્રમોટરનો અસલી ટ્રેક રેકોર્ડ શોધવો અશક્ય બની જતો હતો. પરંતુ હવે નવા નિયમો અનુસાર જો કોઈ નવા પ્રોજેક્ટના ભાગીદારોમાંથી એક પણ પાર્ટનર એવા જૂના પ્રોજેક્ટ સાથે જોડાયેલો હશે જેમાં ફરિયાદો ચાલી રહી હોય, તો તે તમામ વિગતો નવા પ્રોજેક્ટના રજિસ્ટ્રેશનમાં આપોઆપ દેખાવા લાગશે. આ ઉપરાંત, ગુજરેરા ઓથોરિટી પોતે શરૂ કરેલા કેસો અને પ્રમોટર્સના બાકી નીકળતા સરકારી લેણાંની વિગતો પણ પોર્ટલ પર મૂકશે, જેના કારણે જે બિલ્ડરો સામે ગંભીર ફરિયાદો વણઉકેલાયેલી હશે તેમને નવા પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન, ફેરફાર કે મુદત વધારવામાં મોટી મુશ્કેલી પડશે. જો કે, તંત્ર દ્વારા એ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે નાના-મોટા આંતરિક વિવાદો કે પરચૂરણ ફરિયાદોના કારણે બિલ્ડરો સામે સીધા કડક પગલાં કે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી નહીં થાય. રેગ્યુલેટર ગંભીર ગુના અને નાની વ્યાપારી ભૂલો વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખીને જ ન્યાયિક નિર્ણય લેશે, જેથી પ્રમાણિક બિલ્ડરોને કોઈ મુશ્કેલી ન પડે અને ગ્રાહકોનું હિત પણ સંપૂર્ણપણે જળવાઈ રહે.

Comments