નખત્રાણાની પોલીસ લાઈન પ્રાથમિક શાળામાં શિક્ષકોનો પ્રવેશોત્સવ કરાવવા વાલીઓની તાળાબંધી
આવતીકાલથી ચૂંટાયેલા નેતા અને તંત્ર પ્રવેશોત્સવના તાયફા કરશે
ધોરણ ૧થી પમાં વિદ્યાર્થીઓને ભણાવવા સાથે પ્રિન્સિપાલની જવાબદારી પણ એક જ શિક્ષક પર : શાળામાં છત પરથી પોપડા પડે અને ગુરૂના અભાવે વિદ્યાર્થીઓના પુસ્તકો ખાલી રહે તેવી સ્થિતિ : આજે સવારે વિફરેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ કરતાં સ્થાનિક આગેવાનો અને તંત્ર દોડતું થયું
નખત્રાણા - કચ્છઉદય : આવતીકાલે ર૩મી જુનથી કચ્છ સહિત રાજ્યમાં પ્રવેશોત્સવ શરૂ થવાનો છે. ચૂંટાયેલા નેતા અને વિવિધ અધિકારીઓ બાળકોને શાળામાં પ્રવેશ અપાવી રૂપકડી સલાહ આપી ફોટો ખેચાવશે. પરંતુ નખત્રાણામાં આવેલી પોલીસ લાઈન પ્રાથમિક શાળાના વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે, પ્રવેશોત્સવના તાયફામાં નેતા કે, અધિકારીના બદલે આ સ્કૂલમાં શિક્ષક આવવો જોઈએ કારણ કે, જરૂર ગુરૂજનની છે. શાળામાં ધોરણ ૧થી પના વિદ્યાર્થીઓને ભણાવવા સાથે આચાર્ય સહિતની તમામ જવાબદારી એક જ શિક્ષકના શીરે છે. શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે તાળાબંધી કરાઈ હતી. જે બાદ તંત્ર દોડતું થયું હતું.
વાલીઓએ કહ્યું કે, વિદ્યાર્થીઓનુ ભવિષ્ય અદ્ધરતાલ છે. સરકારે એક બાજુ શાળાઓના સંકુલો બંધાવી રહી છે, પરંતુ શિક્ષક ઘટની સમસ્યા નિવારાતી નથી. નખત્રાણા પોલીસ લાઈનમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષક ઘટ છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા નબળા વર્ગના લોકોના બાળકોના ભવિષ્ય પર અસર થઈ રહી છે. શાળાના ઓરડા પણ અતિ ખરાબ હાલતમાં છે, જેના કારણે ગમે ત્યારે પોપડા પડે અને વિદ્યાર્થીઓ ઉપર જળુબતું જોખમ ઉભું થઈ રહ્યું છે, ના છૂટકે વિદ્યાર્થીઓને શાળાની બહાર અભ્યાસ કરાવી રહ્યા છે. સમસ્યા લઈને વાલીઓએ આજે સવારે શાળા ખુલે એ પહેલા પ્રવેશબંધી કરી દીધી હતી અને તાળા લગાવી દીધા હતા. શિક્ષકોને પણ ના પાડી દીધી હતી, જો સમસ્યા નહીં નિવારાય ત્યાં સુધી શાળા ખોલવા આપશું નહીં એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિરોધના પગલે તંત્રના જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા અને શિક્ષક ઘટની સમસ્યા નિવારવા માટે ખાત્રી આપી હતી, જે બાદ તાળાબંધી ખોલવામાં આવી હતી. બાળકોને ખુલ્લા આંગળામાં ભણવાની નોબત આવી હતી કારણ કે, શાળાના ઓરડા જર્જરીત છે. અત્યાર સુધી વાલીઓ વિરોધ કરતા રહ્યા પરંતુ કોઈ ન ફરક્યું આજે વિરોધ થતાં આગેવાનો દોડી આવ્યા હતા. જો કે, વાલીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે. અઠવાડિયામાં સમસ્યા નહીં ઉકેલાય તો ફરી તાળાબંધી કરવામાં આવશે.
ટીપીઓ ગૌતમભાઈ ચૌધરી, નખત્રાણાના પૂર્વ સરપંચ ડાયાલાલભાઈ સેંઘાણી, કરમશીભાઈ બઢિયા, ગ્રુપ આચાર્ય ડી.કે. પરમાર, સીઆરસી દિગ્વિજયસિંહ સહિતના દોડી આવ્યા હતા. શિક્ષક ઘટ નિવારવામાં આવશે, નવા બે રૂમ, સેડ બનાવી અપાશે. બાથરૂમની સારી સુવિધા અપાશે. હાલમાં ઓરડાઓનું રિપેરીંગ થશે તેવી ખાતરી આપી હતી. શાળાના આચાર્ય છાયાબેન પટેલે જણાવ્યું કે, અમે શાળાએ આવ્યા તે પહેલા વાલીઓ આવી ગયા અને તાળાબંધી કરી હતી. જવાબદારોએ ખાતરી આપતા તાળા ખોલવામાં આવ્યા છે.

Comments