Trending News
સ્થાનિક સમાચાર

ભારતના પાણીપ્રહારથી પાક ફફડયું :  કચ્છ કાંઠ દેશનું સુરક્ષાતંત્ર તમામ મોરચે એલર્ટ

22 June



સિંધુ જળ વિવાદથી ભારત-પાક સરહદે ભારે તંગદિલી : સિંધ પ્રાંતના થરપારકર અને નગરપારકર સેક્ટરમાં છેલ્લા ૪૮ કલાકથી પાકિસ્તાની સૈનિકો અને રેન્જર્સની અવર જવર અચાનક વધી 

ભુજ - કચ્છઉદય : કચ્છના રણ અને સરક્રીક વિસ્તારની સામે આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપારકર અને નગરપારકર સેક્ટરમાં છેલ્લા ૪૮ કલાકથી પાકિસ્તાની સૈનિકો અને રેન્જર્સની અવર જવર અચાનક વધી ગઈ છે. ભારતીય સરહદથી માત્ર ૮થી ૧૨ કિલોમીટર દૂર પાકિસ્તાન દ્વારા કામચલાઉ છાવણીઓ ઊભી કરવામાં આવી છે અને તોપખાના સહિતના ભારે લશ્કરી વાહનો ખડકવામાં આવ્યા છે.પાકિસ્તાનની આ "રીઅર મૂવમેન્ટ"ને પગલે સરહદી સલામતી દળ અને ગુજરાત પોલીસે કચ્છના ભૂજ, લખપત  અને સરક્રીક પટ્ટામાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન બનાવી દીધી છે. ડ્રોન, હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને નાઇટ વિઝન ઉપકરણો દ્વારા ૨૪ કલાક સરહદનું ડિજિટલ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.જમ્મુ - કાશ્મીરના પહેલ ગાંવમાં આવેલા પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીના મુદ્દે સર્જાયેલો વિવાદ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખવાજા આસિફ દ્વારા ભારત સામે યુદ્ધની ખુલ્લી ધમકી આપવામાં આવ્યા બાદ, કચ્છ સરહદ સામે પાકિસ્તાની સેનાની શંકાસ્પદ હિલચાલ નોંધાતાં ભારતીય સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર આવી ગઈ છે. ભારત તરફથી સિંધુનું પાણી રોકવાની મળેલી ચેતવણી વચ્ચે પાકિસ્તાન સરહદ પર સૈન્ય દબાણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે.પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખવાજા આસિફે એક ટીવી ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું છે કે જો પાકિસ્તાનની જળ સુરક્ષા જોખમાશે, તો તેઓ ભારત સામે લશ્કરી કાર્યવાહી અને યુદ્ધનો વિકલ્પ અપનાવશે. હાલમાં પાકિસ્તાનની એક તૃતીયાંશ વસ્તી, ખાસ કરીને સિંધ અને બલોચિસ્તાન પ્રાંતમાં, તીવ્ર પાણીની અછતનો સામનો કરી રહી છે.
આ તણાવની શરૂઆત ગત ૨૨ એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલા બાદ થઈ હતી, જેમાં ૨૬ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં ભારતે ૧૯૬૦ની ઐતિહાસિક ‘સિંધુ જળસંધિ’ને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. ભારતના રક્ષા પ્રધાન રાજનાથસિંહે કડક શબ્દોમાં જણાવ્યું છે કે, "લોહી અને પાણી એક સાથે વહી શકે નહીં અને આતંકવાદના આશ્રયદાતાઓને પાણી નહીં મળે. આ સાથે જ ભારતના જળશક્તિ પ્રધાન સી. આર. પાટિલે વર્ષ ૨૦૨૮ સુધીમાં પાકિસ્તાન જતું પાણી સંપૂર્ણપણે રોકવાનો દાવો કરતાં  પાકિસ્તાન અકળાયું છે. નિવેદનબાજીની સીધી અસર કાશ્મીરથી લઈને ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદ સુધી જોવા મળી રહી છે.  ઉલ્લેખનીય છે કે, વિશ્વ બેંકની મધ્યસ્થતાથી થયેલી આ સંધિ મુજબ પશ્ચિમ તરફ વહેતી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીનું ૮૦% પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યું છે. પાકિસ્તાનની ૧૬ મિલિયન હેક્ટર ખેતીલાયક જમીન અને કુલ વપરાશનું ૯૩ ટકા પાણી આ નદીઓ પર નિર્ભર હોવાથી આ મુદ્દો તેમના માટે અસ્તિત્વનો પ્રશ્ન બન્યો છે. પાકિસ્તાને હવે આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના દ્વાર ખખડાવવાની તૈયારી કરી છે.બીજી તરફ ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે કે, આતંકવાદને પ્રોત્સાહન આપનારો દેશ આવી સદભાવનાપૂર્ણ સંધિના લાભની અપેક્ષા રાખી શકે નહીં. ભારતના મતે આ ૬૬ વર્ષ જૂની સંધિ વર્તમાન સમયના ક્લાઇમેટ ચેન્જ અને વસ્તી વધારાની વાસ્તવિકતાઓ સાથે સુસંગત નથી. બંને દેશો પરમાણુ શક્તિ સંપન્ન હોવાથી વૈશ્વિક સમુદાય સીધા લશ્કરી સંઘર્ષની શક્યતા ઓછી જોઈ રહ્યો છે, પરંતુ પાણીનો આ ગંભીર મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ જતાં આગામી દિવસોમાં સરહદી તણાવ અને રાજદ્વારી ઘર્ષણ વધુ ઉગ્ર બને તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

 

Comments

COMMENT / REPLY FROM