Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ ભાજપ સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા કવાયત તેજ

21 June



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા શરૂ, ગાંધીધામ શહેર-તાલુકા સંગઠનમાં પણ ગોઠવણીઓની તૈયારી


ગાંધીધામ- કચ્છઉદય :કચ્છ ભાજપ સંગઠનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર નવી નિમણૂકો કરવા આંતરિક કવાયત તેજ બની હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કેટલાક હોદ્દેદારો ચૂંટણી મેદાનમાં ઉતરતા તેમની સંગઠનાત્મક જગ્યાઓ ખાલી પડી હતી, જેને હવે જિલ્લાભરમાં ફરીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.ગાંધીધામ શહેર ભાજપમાં શહેર પ્રમુખ વિજયભાઈ પરમાર ચૂંટણી લડ્યા બાદ ખાલી પડેલી જગ્યાએ નવા પ્રમુખની નિમણૂક થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. તે જ રીતે ગાંધીધામ તાલુકા ભાજપ સંગઠનમાં પણ મહામંત્રી પદે નિમણૂક કરવા તજવીજ શરૂ થઈ હોવાનું કહેવાય છે.સૂત્રોના મતે ગાંધીધામ પૂરતું નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે ખાલી પડેલી વિવિધ હોદ્દેદાર જગ્યાઓ પર નવા ચહેરાઓને તક આપવા અથવા સંગઠનના સક્રિય કાર્યકરોને જવાબદારી સોંપવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. જિલ્લા સંગઠન સ્તરે ખાલી પડેલી જગ્યાઓની યાદી તૈયાર કરી તબક્કાવાર નિમણૂકો કરવામાં આવે તેવી સંભાવના છે.રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સંગઠનને વધુ સક્રિય અને ચૂંટણીલક્ષી બનાવવા માટે આ નિમણૂકો માત્ર ઔપચારિક નહીં રહે, પરંતુ આગામી રાજકીય ગોઠવણીઓ અને ચૂંટણીની દૃષ્ટિએ 
મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે, અંતિમ નિર્ણય અને નામોની સત્તાવાર જાહેરાત પક્ષના ઉચ્ચ સ્તરેથી થાય ત્યાર બાદ જ ચિત્ર સ્પષ્ટ બનશે.


.......................

ગાંધીધામ ભાજપ સંગઠનમાં આંતરિક હલચલ તેજ

શહેર પ્રમુખ સહિતના હોદ્દાઓને લઈને ચર્ચાઓ ગરમાઈ, સત્તાવાર જાહેરાતની રાહ



ગાંધીધામ : ગાંધીધામમાં ભાજપ સંગઠનને લઈને ફરી એકવાર આંતરિક સળવળાટ તેજ બન્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ મહાનગર માટે અલગથી ભાજપ સંગઠન જાહેર કરવામાં આવશે તેવી શરૂઆતથી ચર્ચાઓ ચાલી રહી હતી. તે કારણે જ જ્યારે ભાજપે શહેર સંગઠનોની નવરચનાની પ્રક્રિયા હાથ ધરી ત્યારે ગાંધીધામ શહેરને તેમાંથી બાકાત રાખવામાં આવ્યું હોવાનું મનાતું હતું.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીધામ શહેર ભાજપ સંગઠન અંગે ફરીથી આંતરિક હલચલ શરૂ થઈ હોવાનું સામે આવી રહ્યું છે. હાલ તાત્કાલિક ગાંધીધામને અલગ મહાનગર સંગઠન આપવાને બદલે શહેર સંગઠનની જાહેરાત થવાની શક્યતા વધુ પ્રબળ માનવામાં આવી રહી છે. વિધાનસભાની આગામી ચૂંટણી બાદ મહાનગર કક્ષાની ગોઠવણીઓ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, પરંતુ ત્યાં સુધી શહેર સંગઠનની નવરચના જાહેર કરી દેવા અંગે આંતરિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે.સૂત્રોના મતે શહેર ભાજપ પ્રમુખ પદ માટે બે થી ચાર નામો મુખ્ય હરોળમાં હોવાનું મનાય છે. આ નામોમાં સ્થાનિક રાજકારણ, આરએસએસ અને એબીવીપી જેવા સંગઠનોમાં સક્રિય રહી ચૂકેલા કાર્યકરોનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. સાથે જ એકાદ જુના જોગીનું નામ પણ ચર્ચામાં હોવાનું મનાય છે. જાણકાર વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે શહેર સંગઠનના પ્રમુખ માટે ૪૦ વર્ષથી ઓછી વયમર્યાદાને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. તેથી યુવા અને સક્રિય ચહેરાને શહેર પ્રમુખ તરીકે તક મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.આ ઉપરાંત ગાંધીધામ શહેર સંગઠનમાં અન્ય હોદ્દાઓને લઈને પણ અંદરખાને ચર્ચાઓ અને ગોઠવણીઓ તેજ બની હોવાનું કહેવાય છે. સંગઠનને વધુ સક્રિય અને આગામી રાજકીય ગોઠવણીઓને ધ્યાનમાં રાખીને શહેર પ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ પર નામોને લઈને મથામણ ચાલી રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.રાજકીય જાણકારો મુજબ શહેર પ્રમુખ સહિતના કેટલાક સંભવિત નામો પ્રદેશ કક્ષાએ મોકલી આપવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે. જોકે હાલ આ તમામ ચર્ચાઓ માત્ર રાજકીય ગલિયારાની અટકળો સુધી મર્યાદિત છે. સાચું ચિત્ર ત્યારે જ સામે આવશે જ્યારે પ્રદેશ કક્ષાએથી સત્તાવાર મંજૂરી મળ્યા બાદ જિલ્લા કાર્યાલય મારફતે ગાંધીધામ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવશે.

 

Comments

COMMENT / REPLY FROM