ભુજ-ગાંધીધામ જેવા શહેરી વિસ્તારોમાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે સ્ટોરેજ જીવતા બોમ્બ સમાન
અમદાવાદની ગંભીર ઘટના કચ્છ માટે લાલબત્તીરૂપ
નાગરિકોના જીવ જોખમમાં છતાં શહેરી વિસ્તારોમાં ટ્રકોની ખુલ્લેઆમ અવરજવરઃ કચ્છમાં પણ અમદાવાદ જેવી દુર્ઘટના સર્જાવાની ભીતિ : રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ હબમાં ધમધમતી ગેસ એજન્સીઓના ગોડાઉન તેમજ ગેરકાયદે રિફિલિંગના કૌભાંડ સામે તંત્રની ઘોર ઉદાસીનતા : જવાબદાર વિભાગોની મિલીભગતથી ફાયર સેફ્ટીના નિયમોના સરેઆમ લીરેલીરા : તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જુવે છે કે શું ? : જાગૃત કચ્છવાસીઓનો વેધક સવાલ
ભુજ - કચ્છઉદય : અમદાવાદના ગીતામંદિર જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગેસ એજન્સીમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ૭૦ જેટલા ગેસ સિલિન્ડરમાં એકસાથે થયેલા પ્રચંડ ધડાકાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ ભયાનક બ્લાસ્ટના કારણે આસપાસની દુકાનો અને મિલકતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે અને અસંખ્ય લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. અમદાવાદની આ ચોંકાવનારી ઘટનાએ હવે કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકો માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે. કચ્છ જિલ્લાના મુખ્ય શહેરો એવા ભુજ, ગાંધીધામ, અંજાર અને આદિપુરના રહેણાંક તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં પણ ગેસ સિલિન્ડરના સંગ્રહ અને હેરફેરમાં સુરક્ષાના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોવાની વિગતો સપાટી પર આવી રહી છે, જેના કારણે કચ્છમાં પણ આવી કોઈ મોટી જાનહાનિ પ્રેરક દુર્ઘટના ઘટે તો નવાઈ નહીં.નિયમ મુજબ શહેરી અને ગીચ વસાહતો ધરાવતા વિસ્તારોમાં ગેસ સિલિન્ડર ભરેલી મોટી ટ્રકો લાવવા પર તેમજ આવા વિસ્તારોમાં ગોડાઉન રાખવા પર કાયદાકીય રીતે સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના જોખમી જથ્થાના સંગ્રહ અને હેરફેર માટે ફાયર સેફ્ટીના અત્યંત કડક નિયમો નક્કી કરાયા છે. આમ છતાં, કચ્છના મુખ્ય મથક ભુજની જૂની વસાહતો તેમજ પૂર્વ કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ અને અંજાર જેવા ઔદ્યોગિક શહેરોના મધ્યમાં આવેલી ગેસ એજન્સીઓ દ્વારા નિયમોને નેવે મૂકી દેવાયા છે. સેંકડો રાંધણ ગેસના બાટલાઓથી ભરેલી ટ્રકો કોઈપણ જાતના ડર વગર ધોળા દિવસે ભીડભાડવાળા રસ્તાઓ પરથી પસાર થાય છે અને ગેરકાયદેસર રીતે શહેરી સીમામાં જ ખાલી કરવામાં આવે છે. સ્થાનિક ફાયરબ્રિગેડ વિભાગ અને પોલીસ તંત્રની કથિત હપતાખોરી તથા ઘોર બેદરકારીના કારણે કાગળ પરના કડક નિયમો વાસ્તવિકતામાં માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. અમદાવાદની જેમ જ કચ્છ જિલ્લામાં પણ ગેરકાયદે ગેસ રિફિલિંગનું એક બહુ મોટું અને જોખમી નેટવર્ક છૂપી રીતે સક્રિય હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘરવપરાશના રાંધણ ગેસના સિલિન્ડરમાંથી જોખમી પદ્ધતિથી ગેસ ચોરી કરીને તેને અન્ય કોમર્શિયલ બાટલામાં અથવા વાહનોમાં ભરવાનું કૌભાંડ કેટલાક તત્વો દ્વારા આચવવામાં આવે છે. કચ્છના વિવિધ શ્રમિક વિસ્તારો, હાઈવે નજીકની હોટલો પાછળના ભાગે તેમજ અંતરિયાળ નગરોના રહેણાંક વિસ્તારોમાં રાતના અંધારામાં કે બંધ બારણે થતી આ ગેસ ચોરી ગમે ત્યારે મોટી આફત નોતરી શકે છે. અમદાવાદના બ્લાસ્ટે સાબિત કર્યું છે કે તંત્રની મિલીભગત નાગરિકોના જીવ માટે કેટલી ઘાતક નીવડી શકે છે. ત્યારે હવે કચ્છ જિલ્લા કલેક્ટર અને પોલીસ વહીવટી તંત્ર તાકીદે જાગીને જિલ્લાની તમામ ગેસ એજન્સીઓના ગોડાઉનનું સઘન ચેકિંગ હાથ ધરે અને રહેણાંક વિસ્તારોમાં ફરતા મોતના કૂવા સમાન ગેસના ટ્રકો સામે કડક કાનૂની કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે તેવી લાગણી કચ્છના જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.

Comments