ભુજની નાયબ ચેરિટી કમિશ્નર કચેરીમાં કૌભાંડ આચરાયું
ખોટા ટ્રસ્ટ રજિસ્ટ્રેશન, બનાવટી સહીઓ અને સરકારી સીલનો દુરુપયોગ કરાયો : તત્કાલીન ક્લાર્ક સામે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ : અધિકારીઓની સહીઓની નકલ કરીને વર્ષો સુધી ટ્રસ્ટોને મંજુરી અપાઈ
ભુજ - કચ્છઉદય : શહેરના બહુમાળી ભવનમાં આવેલી નાયબ ચેરિટી કમિશનરની કચેરીમાં વર્ષો સુધી ચાલેલા ગંભીર કૌભાંડનો પર્દાફાશ થતાં સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કચેરીમાં તત્કાલીન બેન્ચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિનોદકુમાર અમૃતલાલ પરમારે પોતાની સરકારી સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સહિતના દસ્તાવેજોમાં વ્યાપક ગેરરીતિઓ આચરી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ સમગ્ર મામલે નાયબ ચેરિટી કમિશનર અનિલકુમાર ઈશ્વરદાન ગઢવીએ ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.ફરિયાદ મુજબ આરોપી વિનોદકુમાર પરમાર મે-૨૦૨૦થી લઈને ૧૬ માર્ચ, ૨૦૨૬ સુધી બેન્ચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે અધિકારીઓની જાણ બહાર અનેક ટ્રસ્ટોના દસ્તાવેજોમાં બનાવટી સહીઓ કરીને અને કચેરીની સત્તાવાર સીલનો ઉપયોગ કરીને અરજદારોને ખોટા પ્રમાણપત્રો આપી દીધા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીએ માત્ર દસ્તાવેજો જ બનાવટી બનાવ્યા નહોતા, પરંતુ કૌભાંડ છુપાવવા માટે કચેરીના ‘બી’, ‘એ’, ‘ડી’ અને ‘ઈ’ કેટેગરીના દાખલા બુકમાંથી ઓફિસ કોપીઓ પણ ગાયબ કરી દીધી હતી. જેના કારણે મૂળ રેકોર્ડની ચકાસણી કરવામાં મુશ્કેલી ઉભી થઈ હતી. આ ઉપરાંત અરજદારો પાસેથી ખરી નકલ અને અન્ય પ્રક્રિયાના નામે નાણાં વસૂલવામાં આવ્યા હોવા છતાં તે સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યા ન હતા અથવા ઓછી રકમ દર્શાવીને સરકારી આવકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીએ અધિક્ષક અને નકલ કારકુનની બનાવટી સહીઓ કરીને સત્તાવાર પ્રમાણપત્રો પણ ઇશ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં અનેક ટ્રસ્ટોના નામ સામે આવ્યા છે, જેમાં ધી સંધી નોડે મુસ્લિમ સમાજ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, શ્રી કલા જતન વિરાણી મોટી ટ્રસ્ટ, વાંકલકૃપા ગૌશાળા ટ્રસ્ટ, શ્રી મેલડીમાં સેવા ટ્રસ્ટનો સમાવેશ થાય છે. આ ટ્રસ્ટોના અરજદારો પાસેથી રકમ લેવામાં આવી હોવાના પુરાવા પણ
પોલીસને મળ્યા છે. શ્રી મેલડીમાં સેવા ટ્રસ્ટના કિસ્સામાં અરજદારે વહીવટી પ્રક્રિયાના નામે રૂ. ૨૫ હજાર રોકડા આરોપીને આપ્યા હોવાનું કબૂલ્યું છે. જ્યારે સૈવી એજ્યુકેશન ફાઉન્ડેશન અને માનવ રચના ફાઉન્ડેશનના કેસમાં વકીલની ફીના નામે રૂ. ૫ હજાર આરોપીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. કચેરીના વર્ષો જૂના રેકોર્ડ અને પેન્ડિંગ ફાઇલોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાશે જેથી વધુ હકીકતો સામે આવે તો નવાઈ નહીં. આરોપીની ગત માર્ચ મહિનામાં અમરેલી ખાતે બદલી થઈ ગઈ છે. જે બાદ અરજદારો ઓફીસમાં આવ્યા ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
.............................
કલાર્કના કાર્યકાળના કાચા ચિઠ્ઠા ખોલાય તો અનેક કાગળ પરના ટ્રસ્ટો સામે આવે
આ કલાર્કે મે ર૦ર૦ થી ર૬ ડિસેમ્બર ર૦ર૪ સુધી નાયબ ચેરીટી કમિશ્નર કચેરીમાં કલાર્ક તરીકે બાદમાં ન્યાય શાખામાં બેંચ કલાર્ક તરીકે માર્ચ ર૦ર૬ સુધી ફરજ બજાવી હતી. ખરેખર આ કલાર્કના કાર્યકાળ દરમ્યાન કેટલા ટ્રસ્ટોને મંજૂરી અપાઈ તે સહિતની બાબતો સામે લાવવામાં આવે તો અનેક કાગળ પરના ટ્રસ્ટો સામે આવે તેમ છે. કચ્છમાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે તેમજ દાન ઘણું આવે છે. ટ્રસ્ટોમાં આવતું દાન આયકર વિભાગની જોગવાઈ પ્રમાણે કરમુકત હોય છે. ત્યારે ટ્રસ્ટની મંજુરીની જવાબદારી વધી જાય છે.

Comments