ભુજની સંસ્કાર સ્કૂલ ખાતે ‘ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સલામતી’ સેમિનારનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : અહીંની સંસ્કાર સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ‘ટ્રાફિક સુરક્ષા, જાગૃતિ અને માર્ગ સલામતી’ વિષય પર એક વિશેષ સેમિનાર અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આજના ઝડપી યુગમાં વિદ્યાર્થીઓની શારીરિક તેમજ માર્ગ સુરક્ષા આપતા આ સમયાનુકૂળ કાર્યક્રમને શાળા મેનેજમેન્ટ દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા અને જિલ્લા ટ્રાફિક ભુજના પોલીસ સબ ઇન્સપેક્ટર આર.વી.જોષીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને માર્ગ સુરક્ષા જાળવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ અપીલ કરતાં જણાવ્યું કે, દ્વિચક્રી વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને ફોર વ્હીલ ચલાવતી વખતે સીટબેલ્ટનો ઉપયોગ દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાની અમૂલ્ય જાન બચાવવા માટે કરવો અનિવાર્ય છે. વાહન ચલાવતી વખતે ક્યારેય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
શાળા મેનેજમેન્ટ દ્વારા ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ યાદગાર ભેટ આપીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અને આરટીઓને લગતા વ્યવહારુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના પોલીસ અધિકારીશ્રીએ ખૂબ જ સચોટ જવાબો આપ્યા હતા
આ કાર્યક્રમ માટે સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર કિરીટ કારીયા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રતિક્ષાબેન જેઠવા અને નીલેશ ગોહીલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન કો-ઓર્ડિનેટર એમ. આઈ. બાયડે કર્યું હતું. સંચાલન ગુજરાતી માધ્યમના ઉપાચાર્ય પંકજ ગામોટે અને આભારવિધિ અંગ્રેજી માધ્યમના આચાર્ય વિરાજ બારોટે કરી હતી. આ સેમિનારને સફળ બનાવવા માટે શાળાના આચાયર્ય જગદીશ બારુ (ગુજરાતી માધ્યમ) તેમજ સમગ્ર શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.
------

Comments