વિશ્વ સંગીત દિવસે શ્રુજન એલએલડીસી દ્વારા ગુજરાતની સંભવતઃ પ્રથમ લોકસંગીત ગેલેરીની વિશ્વને ભેટ
ભુજ - કચ્છઉદય : શ્રુજન સંસ્થા દ્વારા સંચાલિત લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (એલએલડીસી) અજરખપુર ખાતે ‘વિશ્વ સંગીત દિવસ’ નિમિત્તે નવી “મ્યુઝિક ગેલેરી” નું ઉદ્દઘાટન કરીને કચ્છના સાંસ્કૃતિક વારસાના જતન તરફ એક મહત્વપૂર્ણ કદમ ભરી એલએલડીસી - કચ્છ, ગુજરાત, ભારત અને વિશ્વને એક અનોખી સૂર-તાલ-લય ભરી ભેટ આપશે.શ્રુજન સંસ્થા ૧૯૬૯થી કચ્છની પરંપરાગત હસ્તકળાઓ અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, પ્રમોશન અને સશક્તિકરણ માટે કાર્યરત છે. આ જ વિઝનને આગળ ધપાવતા સંસ્થાએ વર્ષ ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા પામેલા ‘લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર’ (એલએલડીસી) ક્રાફ્ટ મ્યુઝિયમની સ્થાપના કરી, જે આજે કચ્છની હસ્તકલાઓને સમર્પિત ભારતના સૌથી મહત્વપૂર્ણ સંગ્રહાલયોમાંનું એક છે, જે કચ્છની વિવિધ હસ્તકલાઓની સાથે સાથે સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા અને તેને સમગ્ર વિશ્વમાં પહોંચાડી તેનું ગૌરવ અને ગરિમા જાળવવા અને વધારવા સતત સક્રિય છે.હાલની ગેલેરોઓ ‘લિવિંગ એમ્બ્રોઇડરીઝ ઓફ કચ્છ’, ‘અંડર ધ એમ્બ્રોઇડરી સ્કાય’ અને ‘ઇન્સ્પિરેશન ગેલેરી’ ના સફળ સંચાલન બાદ એલએલડીસી હવે આ સાંસ્કૃતિક ધરોહરના મુખ્ય અંગ સમા કચ્છના લોક સંગીતના અદ્દભૂત અને વિરલ વારસાને દેશ દુનિયા સુધી પહોંચાડવા, લોક સંગીતને સમર્પિત એક કાયમી ગેલેરીનો શુભારંભ કરી રહ્યું છે. આ એલએલડીસી મ્યુઝિક ગેલેરી ગુજરાતની સંભવતઃ પ્રથમ એવી ગેલેરી છે જે માત્ર લોકસંગીતને સમર્પિત હોય અને કચ્છમાં તો આ પ્રકારની આ પ્રથમ ગેલેરી જ છે. આ ગેલેરીને ખૂબ રસપ્રદ જગ્યા તરીકે તૈયાર કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓ ઓડિયો-વિડીયોના માધ્યમથી કચ્છના લોક સંગીત વિશે માહિતી મેળવી શકશે સાથે મલ્ટીમીડિયા ઇન્ટરેક્ટિવ સંગીતમય અનુભવો દ્વારા કચ્છની સમૃદ્ધ સંગીત પરંપરાઓને જાણી અને માણી શકશે.
ગેલેરીમાં કચ્છના રપ જેટલા પરંપરાગત લોકવાદ્યોનો સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જેની સાથે વિસ્તૃત માહિતી આપતા ઓડિયો - વિઝ્યુઅલ પ્રદર્શન તથા લોક કલાકારો તેમજ સાંસ્કૃતિક નિષ્ણાતોના ઈન્ટરવ્યુ પણ સામેલ છે. આ દ્વારા કચ્છના લોક સંગીતને અને લોક કલાકારોને તેમજ કચ્છના સંગીત ક્ષેત્રના ઝગમગતા સિતારાઓને સલામી આપવાનો વિનમ્ર પ્રયાસ કરાયો છે. નિશ્ચિતપણે આ પ્રથમ પ્રયાસ હોવાથી ક્યાંક અજાણે ચૂક કે ક્ષતિ રહી જવાની પણ શક્યતાઓ છે, પરંતુ ક્યાંક પ્રથમ શરૂઆત થાય તો સંગીત અને કલા ક્ષેત્રના નિષ્ણાત કલાકારો, સુજ્ઞ શ્રોતાઓ, સંગીત રસિકો આમાં પોતાનું પણ યોગદાન આપી, આ લોક સાંસ્કૃતિક વૈભવ અને વારસા સમાન લોક સંગીતને વધુ સમૃદ્ધ અને અધિકૃત બનાવવા મદદ કરશે.આ સાથે અહીંના મુખ્ય આકર્ષણો સમા ફોક ફ્યૂઝન સ્ટુડિયો (ગેરેજ બેન્ડ) કચ્છી મ્યુઝિકને કમ્પોઝ કરવાની તક આપશે તો "ધ્યાન સંગીત" (મેડિટેટિવ મ્યુઝિક રૂમ) મુલાકાતીઓને એક અલગ જ શાંતિપૂર્ણ અનુભૂતિ કરાવશે. કચ્છ વર્ષોથી અસાધારણ સંગીત પરંપરાઓનું ઘર રહ્યું છે, જેને અહીંના સમુદાયો અને કલાકારોએ પેઢીઓથી જીવંત રાખી છે. આ નવી ગેલેરી દ્વારા એલએલડીસી આ અમૂલ્ય સંગીત વારસાને ભવિષ્યની પેઢીઓ માટે દસ્તાવેજીકૃત, ઉજાગર અને સુરક્ષિત કરવા માંગે છે, સાથે જ તેને ભારત અને વિદેશથી આવતા પ્રવાસીઓ માટે તેમજ યુવાઓ માટે પણ સુલભ બનાવવા ઈચ્છે છે. ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રે એક મોરપીંછ સમી ગૌરવપૂર્ણ કલગી ઉમેરનારી આ લોક સંગીતના સ્વરોથી ગુંજતી આ ગેલેરીને આવકારવા માટે આ ઉદ્દઘાટન સમારોહમાં પ્રદેશના અગ્રણી લોક ગાયકો-વાદકો, સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ, વિદ્વાનો, કલાપ્રેમીઓ અને સંગીત રસિકો એકઠા થશે.
-----

Comments